છેતરપિંડી:ચાણસ્માના યુવકને એક લાખ આપી ગાડી લઈ જઈ શખ્સે 5.80 લાખમાં વેચી નાખી

Gujarat4/8/2026, 12:00:00 AM
ચાણસ્માના યુવક પાસેથી 7.5 લાખમાં ગાડી ખરીદવાનું કહી એક લાખ આપી બે દિવસમાં લોન ભરાવી દઈશું તેમ કહી લઈ ગયા બાદ આરોપીઓએ કાર ત્રીજા વ્યક્તિને 5.80 લાખમાં વેચી નાખતાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. ચાણસ્મા ઉગમણા દરવાજા બહાર રહેતા કુલદીપકુમાર બકુલેશભાઈ ડોડીયા (ઉ.વ.31) દસ્તાવેજ લખવાનું કામ કરે છે. તેઓએ વર્ષ 2023માં મહિન્દ્રા બોલેરો ગાડી ( GJ-24-AQ-6719) 12.65 લાખમાં ખરીદી હતી.જેમાં રૂ 2.65 લાખ ડાઉન પેમેન્ટ ભર્યું હતું અને બાકીના 10 લાખની ચાણસ્મા કો.ઓ.બેંકમાંથી લોન લીધી હતી.વર્ષ 2026 સુધી ગાડી નો ઉપયોગ કર્યા બાદ ગાડીનું વેચાણ કરવાનું હોઈ મિત્ર મારફતે ઝાલા ચિરાગસિંહ દ્વારા ગોસ્વામી અનિલગીરી સુરેશગીરી અને ગોસ્વામી ભૌતિકગીરી રમેશગીરી સાથે સંપર્ક થયો હતો.બંનેએ ગાડી રૂ 7.05 લાખમાં ખરીદવાની સંમતિ આપી હતી. ગાડી પર લોન ચાલુ હોવાથી આરોપીઓને હપ્તા ભરવા કહેવામાં આવ્યું હતું.જોકે, આરોપીઓએ બે દિવસ માટે ગાડી આપો,પછી સંપૂર્ણ ચુકવણી કરીશું કહી વિશ્વાસમાં લઈ 23 જાન્યુઆરી 2026ના રોજ કાર આર.સી.બુક સાથે લઈ ગયા હતા. શરૂઆતમાં રૂ1 લાખ આપ્યા બાદ આરોપીઓ બહાના કરવા લાગ્યા હતા.બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓએ ગાડી સાણંદના શાંતિપુરા વિસ્તારમાં આવેલ તન્વી મોટર્સ ખાતે રાહુલદાન ગઢવીને રૂ5.80 લાખમાં વેચી હતી. રાહુલદાન ગઢવી પણ છેતરાયા હોવાનું જણાવતા તેઓએ રૂ 4 લાખ ગુમાવ્યાનું જણાવ્યું હતું.કારના મૂળ માલિક કુલદીપ કુમારે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. હાલ અનિલગીરી સુરેશગીરી ગોસ્વામી અને ભૌતિકગીરી રમેશગીરી ગોસ્વામી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
Read Original Article →