ફરિયાદ:બસ આગળ બાઈક આવતાં બ્રેક મારતાં ડ્રાઈવર પર શખ્સ તૂટી પડ્યો

Gujarat4/8/2026, 12:00:00 AM
ફરિયાદ:બસ આગળ બાઈક આવતાં બ્રેક મારતાં ડ્રાઈવર પર શખ્સ તૂટી પડ્યો
ચાણસ્મા એસટી ડેપોની બસ અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી, ત્યારે રોડ પર ક્રિકેટ રમતા યુવકો પૈકી એક શખ્સે ડ્રાઈવર પર જીવલેણ હુમલો કર્યો હતો. બસની આડે અચાનક બાઈક આવી જતાં ડ્રાઈવરે બ્રેક મારી હતી,જેનાથી ઉશ્કેરાઈને યુવકે ડ્રાઈવરના કપાળના ભાગે ક્રિકેટના બેટનો ફટકો મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હોવા છતાં ફરિયાદના ત્રણ દિવસ પછી પણ આરોપીની ધરપકડ નહીં કરતાં કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. ચાણસ્મા તાલુકાના મીઠીઘારીઆલ ગામના વતની અને ચાણસ્મા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ ગોવિંદભાઈ પટેલ (36) 5 એપ્રિલના રોજ સુરત (ઉધના)થી પાટણ રૂટની બસ (GJ 18 Z 8839) લઈને જઈ રહ્યા હતા.વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ બસ ખોખરા સર્કલ પાસે પહોંચી, ત્યારે શેર-એ-પંજાબ હોટલ સામે જાહેર રોડ પર અચાનક બાઈક સામે આવી ગયું હતું.અકસ્માત ટાળવા માટે ઈશ્વરભાઈએ બ્રેક મારી ઊભી રાખી દીધી હતી. આ સમયે ત્યાં રોડ પર કેટલાક યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા.જે પૈકીનો એક યુવક ડ્રાઈવર પાસે આવ્યો હતો અને બ્રેક કેમ મારી તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો.ડ્રાઈવરે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા યુવકે પોતાના હાથમાં રહેલા લાકડાના બેટનો એક ફટકો ઈશ્વરભાઈના કપાળના ભાગે જોરથી માર્યો હતો. જેને કારણે ઈશ્વરભાઈને ગંભીર ઇજા થઈ હતી. બસના કંડક્ટર હર્ષદભાઈ સોલંકીએ તુરંત 100 નંબર પર જાણ કરી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફતે ડ્રાઈવરને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.ખોખરા પોલીસે ડ્રાઈવર ઈશ્વરભાઈની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read Original Article →