આત્મહત્યા:પાટણમાં ધો-12 સાયન્સના છાત્રએ‎ઘરમાં પંખે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું‎

Gujarat5/13/2026, 12:00:00 AM
પાટણ શહેરમાં સિદ્ધાયોગી સોસાયટીમાં રહેતા અને ધોરણ-12 સાયન્સમાં પ્રવેશ મેળવનારા 17 વર્ષીય કિશોરે 10 મેના રોજ અગમ્ય કારણોસર ઘરમાં જ ફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં પરિવાર સહિત પંથક શોકમગ્ન બન્યો હતો. ચાણસ્મા તાલુકાના સોજીત્રા ગામના વતની અને હાલ પાટણ શહેરના પદ્મનાભ ચોકડી નજીક આવેલી સિદ્ધાયોગી સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ અમરતભાઈ રાવળ તલાટી તરીકે ફરજ બજાવે છે. તેમનો 17 વર્ષીય દીકરો તુષાર રાવળે તાજેતરમાં ધોરણ-11 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ-12 સાયન્સમાં પ્રવેશ લીધો હતો. 10 મેના સાંજના સમયે પરિવારના સભ્યો બજારમાં ગયા હતા ત્યારે ઘરમાં એકલો રહેલો તુષારે ઉપરના માળે પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. સાંજે આશરે 6:30 ના અરસામાં પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે દરવાજો અંદરથી બંધ મળ્યો હતો. ઘણી બૂમાબૂમ છતાં દરવાજો ન ખુલતાં પરિવારજનોએ દરવાજો તોડી અંદર જોતાં તુષાર ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાથી સમગ્ર વિસ્તાર ગમગીન બની ગયો હતો.બાદમાં ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પાટણ શહેર પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે પ્રકાશભાઈ રાવળની જાણ આધારે અકસ્માત મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અભ્યાસના માનસિક તણાવના કારણે પગલું ભર્યું હોવાની આશંકા:પીએસઆઈ આ બનાવ અંગે તપાસ અધિકારી પી.એસ.આઈ. વી.આર. ડાભીએ જણાવ્યું હતું કે, મૃતક વિદ્યાર્થીએ ધોરણ-11 સાયન્સ પૂર્ણ કરી ધોરણ-12માં અભ્યાસ શરૂ કર્યો હતો. અભ્યાસના દબાણ કે માનસિક તણાવના કારણે તેણે આ પગલું ભર્યું હોવાની શક્યતા માનવામાં આવી રહી છે.જોકે આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
Read Original Article →