વેપારી સાથે છેતરપિંડી:મશીનરીના નામે વેપારી પાસેથી 2.73 કરોડ ખંખેર્યા
સિદ્ધપુરમાં પ્રોજેક્ટ માટે જમીન અને મશીનરી આપવાના બહાને એક વેપારી સાથે કરોડો રૂપિયાની ઠગાઈ થયાનો કિસ્સો સામે આવ્યો છે. વેપારી રીતેશભાઈ ખત્રીએ આરોપ મૂક્યો છે કે બે ભાઈઓએ ભેગા મળી ખોટી માહિતી આપી જમીન વેચાણ અને મશીનરીના નામે કુલ રૂ 2.73 કરોડ થી વધુની રકમ મેળવી હતી અને ત્યારબાદ ન તો મશીનરી આપી અને નતો યોગ્ય જમીનનો કબ્જો સોંપ્યો. વર્ષ 2024 દરમિયાન રીતેશભાઈઅરવિંદભાઈ ખત્રી એ સેન્ટીંગ નાં ઉપયોગ માટે ખીલી વાયર બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવાનો વિચાર કર્યો હતો. આ માટે તેઓ સિદ્ધપુરના એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા, જેમણે જમીન અને લોનની વ્યવસ્થા કરાવી આપવાનો વિશ્વાસ આપ્યો હતો ત્યારબાદ તેમને સેન્દ્રાણા ગામની સીમમાં આવેલી જમીન બતાવવામાં આવી અને તે એન.એ. થયેલી હોવાનું જણાવી વેચાણ માટે નક્કી કરવામાં આવી હતી આરોપ છે કે જમીન માટે રૂ.1.05 કરોડ જેટલી રકમ ચૂકવ્યા બાદ દસ્તાવેજ કરવામાં આવ્યા હતાં પરંતુ બાદમાં જાણવા મળ્યું કે બતાવેલી જમીન અને દસ્તાવેજમાં દર્શાવેલી જમીન અલગ-અલગ હતી. આ દરમિયાન પ્રોજેક્ટ માટે મશીનરી ખરીદવાના બહાને બીજા ભાઈએ પણ રૂ.1.67 કરોડથી વધુ રકમ લઈ લીધી, છતાં આજદિન સુધી મશીનરી પૂરી પાડી નથી. જમીન પર બાંધકામ શરૂ કરાયું ત્યારે ત્રીજા વ્યક્તિએ આવી જમીન પોતાની હોવાનું જણાવી બાંધકામ બંધ કરાવ્યું, જેના કારણે સમગ્ર છેતરપીંડી બહાર આવી હતી. આ રીતે કુલ રૂ.2.73 કરોડથી વધુની રકમ ગુમાવ્યા બાદ રીતેશભાઈ ખત્રી એ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને અનેક અરજીઓ કરી હતી બાદમાં આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે તેમણે બાસુ ગામના અમીનભાઈ અહમદભાઈ પલાસરા અને અકબરભાઈ અહમદભાઈ પલાસરા સામે આક્ષેપાત્મક ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Read Original Article →