ચેકિંગથી બચવા ભાગ્યા:વારાહી પાસે RTO ટીમને જોઈ 2 ટ્રકચાલક ભાગતાં, પીછો કરતાં સરકારી સ્કોર્પિયોને ટક્કર મારીને ફરાર
પાટણ જિલ્લામાં વાહન ચેકિંગ દરમિયાન આરટીઓની ટીમ સાથે ખતરનાક ઘટના સામે આવી છે. વારાહી ચેકપોસ્ટ પાસે ચેકિંગ દરમિયાન બે ટ્રક ચાલકોએ વાહન ઉભું રાખવાના બદલે ગાડીઓ દોડાવી દીધી હતી. એટલું જ નહીં, પીછો કરતી આરટીઓની સરકારી સ્કોર્પિયોને એક ટ્રકે ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી છે. પાટણ આરટીઓ નિરીક્ષક તરીકે ફરજ બજાવતાં સુકેતુ પટેલ 20 મેની મધરાતથી 21 મેની સવારે સુધી વારાહી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની ફરજમાં હતા. તેમની સાથે કચેરીના ડ્રાઈવર મિતુલ ભાવેશજી ઠાકોર તેમજ GISFના ગાર્ડ પણ હાજર હતા. સવારે બાબરા ગામના પાટિયા નજીક સાંતલપુર તરફથી આવેલી બે ટ્રકોને હાથનો ઈશારો કરી સાઇડમાં ઊભી રાખવા જણાવાયું હતું. જોકે બંને ટ્રક ચાલકોએ ગાડીઓ રોકવાના બદલે રાધનપુર તરફ દોડાવી દીધી હતી. આરટીઓની ટીમે સરકારી સ્કોર્પિયો ગાડીમાં પીછો શરૂ કર્યો હતો. સાયરન વગાડવા અને બૂમો પાડવા છતાં ટ્રક ચાલકોએ વાહનો ઉભા રાખ્યા નહોતા. પીછો દરમિયાન સિંધાડા ગામ નજીક બંને ટ્રકો ધીમી પડતા તેમના નંબર નોંધાયા હતા. જેમાં એક ટ્રક નંબર RJ-19-GH-3838 અને બીજી RJ-19-GE-9859 હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન એક ટ્રક ચાલકે ટ્રક હંકારી સરકારી સ્કોર્પિયોને ઓવરટેક કરતી વખતે ડ્રાઇવર સાઈડના પાછળના ભાગે ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના બાદ બંને ટ્રક ચાલકો સિંધાડા કસ્ટમ રોડ તરફ ટ્રકો દોડાવી ફરાર થઈ ગયા હતા. આરટીઓ અધિકારીએ સાંતલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. સામાન્ય રીતે વાહન ચેકિંગ દરમિયાન ટ્રકોને હાથનો ઈશારો થતાં મોટાભાગના વાહનો ઊભા રહેતા હોય છે. અહીં બંને ટ્રકો RTOની સરકારી ગાડી, સાયરન અને સતત પીછો છતાં ન અટકતા સીધા ભાગી ગયા, જેના કારણે ટ્રકોમાં ઓવરલોડ, દસ્તાવેજોની ગડબડ, ટેક્સ-પરમિટ કે અન્ય કોઈ અનિયમિતતા હોવાની ચર્ચા પણ ઉભી થઈ છે. ટ્રક ચાલકે સ્કોર્પિયોના પાછળના ભાગે ટક્કર મારી હોવા છતાં RTO ટીમે પીછો છોડ્યો નહોતો. લાંબા પીછા દરમિયાન એક સમયે ટ્રકો ધીમી પડતાં ટીમે નંબર નોંધ્યા હતા. જો આ નંબર ન મળ્યા હોત તો સરકારી ગાડીને નુકસાન પહોંચાડનારા ચાલકો સુધી પહોંચવું અશક્ય બની શક્યું હોત.
Read Original Article →