15 દિવસીય સમર યોગ કેમ્પનો પ્રારંભ:ભૈરવ મંદિર હોલમાં નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ‎

Gujarat5/26/2026, 12:00:00 AM
15 દિવસીય સમર યોગ કેમ્પનો પ્રારંભ:ભૈરવ મંદિર હોલમાં નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ‎
પાટણના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ વર્ષે પણ સ્થાનિક ભૈરવ મંદિર હોલ ખાતે "સમર યોગ કેમ્પ"નું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી યોજાતા આ વેકેશન સ્પેશિયલ કેમ્પ ચાલુ વર્ષે આ વિશેષ કેમ્પ તારીખ 16 મે થી શરૂ થયો છે, જે આગામી 30 મે સુધી એટલે કે કુલ 15 દિવસ સુધી ચાલશે. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને અને નાગરિકોની અનુકૂળતા માટે યોગ બોર્ડ દ્વારા સવાર અને સાંજ એમ બે વિશેષ બેચ રાખવામાં આવી છે. જેમાં સવારની બેચનો સમય વહેલી સવારે ૫:૪૫ વાગ્યાનો છે, જ્યારે સાંજની બેચનો સમય 5 થી 7વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેથી નોકરિયાત વર્ગ, વડીલો અને ગૃહિણીઓ પણ પોતાની વ્યસ્તતા વચ્ચે સરળતાથી જોડાઈ શકે. આ કેમ્પમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જાણીતા અને અનુભવી યોગ કોચ યામિનીબેન જોશી દ્વારા ઉપસ્થિત તમામ સાધકોને યોગ, વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની વિગતવાર સમજ તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. તદુપરાંત, રોજિંદા આધુનિક જીવનમાં તણાવમુક્ત અને નિરોગી કેવી રીતે રહેવું તેની પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવે છે. આ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે પાટણની અગ્રણી મહિલાઓ ખાસ ઉપસ્થિત રહી હતી. જેમાં છાયાબેન, અંકિતાબેન અને ઝંખનાબેન સહિત અન્ય પાંચ જેટલી મહિલા આગેવાનોએ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. પ્રથમ દિવસથી જ આ કેમ્પમાં સાધકોનો, ખાસ કરીને મહિલાઓનો અભૂતપૂર્વ ઘસારો અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે પાટણમાં યોગ પ્રત્યે વધતી જાગૃતિ દર્શાવે છે.
Read Original Article →