તંત્ર સામે ભારે રોષ:લીલેસરામાં નવી ટાંકી સફળ ટેસ્ટિંગ બાદ પણ શરૂ નહીં કરાતાં પાણીની સમસ્યા
ગોધરા નગરપાલિકા વિસ્તારમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીની વિકરાળ સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને ગોધરા નગર પાલિકાના વોર્ડ નં.9માં પાણીની તંગી ઉભી થતાં સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે સ્થાનિક કાઉન્સિલર દ્વારા ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર લેખિતમાં રજૂઆત કરી તાકીદે ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે. ગોધરા પાલિકાના વોર્ડ ન. 9 ના અબ્દુલ્લા મસ્જિદ પાસે લીલેસરા ખાતે પાણીની નવીન ટાંકી તેમજ સંપ બનીને સંપૂર્ણ તૈયાર થઈ ગયા છે. આશરે 7 લાખ લીટરની ક્ષમતા ધરાવતી આ નવી ટાંકીનું જરૂરી ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક થઈ ગયુ છે. છતાં, આ ટાંકીને હજુ સુધી કાર્યરત કરવામાં આવી નથી. જો આ નવી ટાંકી તાત્કાલિક ચાલુ કરી દેવામાં આવે, તો સમગ્ર વિસ્તારની પાણીની તંગી દૂર થઈ શકે તેમ છે. મહિલાઓ દૂર-દૂર સુધી પાણી લેવા જવા મજબૂર બન્યા છે. ત્યારે વોર્ડ નં.9ના અસંખ્ય પરિવારો ટીપું-ટીપું પાણી મેળવવા માટે વલખાં મારી રહ્યા છે. આ અગાઉ પણ તંત્રને મૌખિક અને લેખિતમાં અનેક રજૂઆતો કરવામાં આવી ચૂકી છે, નવી ટાંકી કાર્યરત કરો નહીં તો આંદોલન
લીલેસરા ખાતે નવી બનેલી પાણીની ટાંકીનું ટેસ્ટિંગ પૂરું થઈ ગયું હોવા છતાં તેને શોભાના ગાંઠિયાની જેમ કેમ રાખવામાં આવી છે. નવી ટાંકી તાત્કાલિક ચાલુ કરવામાં આવે. જો તંત્ર હજુ પણ પાણી પૂરું નહીં પાડે, તો આગામી દિવસોમાં પાલિકા સામે ઉગ્ર રજૂઆત અને આંદોલન કરવાની ફરજ પડશે. - યાકુબભાઇ બક્કર (તપેલી), કાઉન્સિલર,ગોધરા
Read Original Article →