ગોધરા:ચાલુ વરસાદે ટ્રાન્સફોર્મરમાં કરંટ ઉતરતાં બે શ્વાનનાં મોત નિપજ્યાં
ગોધરામાં બુધવાર સાંજે વહેતા પવન સાથે અચાનક ચોમાસા જેવો માહોલ બન્યો હતો. ધોધમાર વરસાદ તૂટી પડતાં ચાલુ વરસાદમાં ગોધરા બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનને જોડતા મુખ્ય માર્ગ પર કરંટ પ્રસર્યો હતો. જેમાં બે મૂંગા પશુઓએ જીવ ગુમાવ્યા હતાં. સ્થાનિકોની જાગૃતિથી મોટી માનવ હોનારત ટળી ગઈ હતી. બુધવારે સાંજે આશરે 7 વાગ્યે ગોધરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો. રેલવે સ્ટેશન રોડ પર પોલીસ ચોકી નંબર-6 પાસે મુકાયેલા અંદાજિત 3 વીજ ટ્રાન્સફોર્મરમાં વરસાદના કારણે અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. રોડની આસપાસ કરંટ ફેલાયો હતો. ટ્રાન્સફોર્મર નજીક બેઠેલા બે શ્વાન કરંટની ઝપેટમાં આવતાં જ ઘટનાસ્થળે જ બંને શ્વાનના કમકમાટીભર્યા મોત થયા હતાં. બનાવથી વિસ્તારમાં અરેરાટી ફેલાઈ. અફરાતફરી મચી. શ્વાનના મોત બાદ આસપાસના સ્થાનિક યુવાનો તાત્કાલિક એક્શનમાં આવ્યા. વરસાદી પાણીમાં કરંટ હોવાની આશંકા હતી. યુવાનોએ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને બૂમો પાડી રોકીને વાહનો ડાયવર્ટ કરાવ્યા હતો. લોકોના ટોળાં ઉમટી પડ્યા હતાં. સ્થાનિક રહીશોએ તરત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓને ફોન પર જાણ કરી. MGVCLએ પરિસ્થિતિ જોઈ તાત્કાલિક આ લાઇનનો વીજ પુરવઠો બંધ કર્યો હતો. વીજપ્રવાહ બંધ થતાં સ્થાનિકો અને રાહદારીઓએ હાશકારો લીધો.
Read Original Article →