પંચમહાલ પોલીસે 'મેન્ટર' પ્રોજેક્ટ હેઠળ બેઠક યોજી:NDPS અને મિલકત ગુનાના આરોપીઓને સકારાત્મક માર્ગદર્શન અપાયું
પંચમહાલ જિલ્લા પોલીસે NDPS અને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા 'મેન્ટર પ્રોજેક્ટ' અંતર્ગત એક વિશેષ બેઠકનું આયોજન કર્યું હતું. આ પ્રોજેક્ટનો હેતુ આરોપીઓમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવાનો છે. ગોધરા ખાતેના પોલીસ તાલીમ કેન્દ્ર, પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલી આ બેઠકમાં પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાત અને નાયબ પોલીસ અધિક્ષક બ્રિન્દા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે SOG, LCB તેમજ ગોધરા ટાઉન 'એ' અને 'બી' ડિવિઝનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા. પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતે હાજર રહેલા આરોપીઓને ગુનાખોરી છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળવા માટે સરળ અને હકારાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે આરોપીઓને ફરી ક્યારેય ગુનાખોરીના માર્ગે ન વળવા, નશાના કારોબાર અને તેના સેવનથી દૂર રહેવા તથા પરિવાર સાથે સન્માનજનક જીવન જીવવા પ્રેરણા આપી હતી. આ 'મેન્ટર' પ્રોજેક્ટ બેઠકમાં નાર્કોટિક્સ અને મિલકત વિરુદ્ધના ગુનાઓમાં સંડોવાયેલા આશરે 100 થી વધુ આરોપીઓ હાજર રહ્યા હતા. આ તમામ આરોપીઓની દેખરેખ અને યોગ્ય કાઉન્સેલિંગ માટે પોલીસ વિભાગ દ્વારા નિમણૂક કરાયેલા 'મેન્ટર' સભ્યો પણ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે, ઉપસ્થિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની રૂબરૂમાં તમામ આરોપીઓએ હૃદય પરિવર્તન સાથે ખાતરી આપી હતી કે તેઓ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાશે નહીં. તેમણે સમાજમાં શાંતિ અને સુરક્ષા જાળવવામાં પોલીસ તંત્રને પૂરો સહકાર આપવાની પણ ખાતરી આપી હતી.
Read Original Article →