પંચમહાલમાં 19 વર્ષના યુવકની ઝાડ પર લટકતી લાશ મળી:ભાદરોલી જંગલ વિસ્તારમાંથી યુવકની આત્મહત્યા; યુવતી પક્ષના ત્રાસનો પરિવારે લગાવ્યો આક્ષેપ
પંચમહાલ જિલ્લાના વેજલપુર નજીક ભાદરોલી ગામ પાસેના બાગાયત કેન્દ્રના જંગલ વિસ્તારમાંથી 19 વર્ષીય યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો છે. મૃતકના દાદાએ યુવતી પક્ષ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મૃતક યુવકની ઓળખ કલ્પેશ ચીમનભાઈ નાયક (ઉંમર 19) તરીકે થઈ છે. કલ્પેશ આજે વહેલી સવારે કુદરતી હાજતે જવા ઘરેથી નીકળ્યો હતો. લાંબા સમય સુધી પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. આ શોધખોળ દરમિયાન, ગામના બાગાયત કેન્દ્ર નજીકના જંગલ વિસ્તારમાં એક ઝાડ સાથે તેની લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના દાદાના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે કલ્પેશ એક યુવતીને ભગાડી ગયો હતો. આ મામલે સમાધાન માટે યુવતી પક્ષ દ્વારા સતત પૈસાની માંગણી કરવામાં આવતી હતી. પરિવારનો આરોપ છે કે યુવતી પક્ષના દબાણ અને માનસિક ત્રાસને કારણે કલ્પેશે આ આત્મઘાતી પગલું ભર્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના મૃત્યુનું સાચું કારણ અને દાદા દ્વારા કરાયેલા આરોપોની સત્યતા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
Read Original Article →