પંચમહાલમાં આયશર ટ્રકમાં ભીષણ આગ:શહેરાની છાણીપ ચોકડી નજીક ઘાસ ભરેલી ટ્રક બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં
પંચમહાલના શહેરા તાલુકાના છાણીપ ચોકડી નજીક 9 જૂનની મોડી રાત્રિના સમયે એક આયશર ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, છાણીપ ગામના એક ખેડૂત પોતાની આયશર ટ્રકમાં ઘાસની ઘાસડીઓ ભરીને ગોધરાના ભામૈયા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન જ કોઈ અગમ્ય કારણોસર ટ્રકમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી. આ ઘટનામાં ટ્રકમાં ભરેલો ઘાસનો તમામ જથ્થો અને આયશર ટ્રક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ખેડૂતને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને સ્થાનિક તંત્રને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.
Read Original Article →