પંચમહાલમાં જનગણના 2027ની પૂર્વ તૈયારીઓ શરૂ:'સ્વ-ગણના' પોર્ટલ 17 મેથી નાગરિકો માટે કાર્યરત થશે
પંચમહાલ જિલ્લામાં 'જનગણના 2027'ની પૂર્વ તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવનાર આ રાષ્ટ્રીય જનગણના પ્રક્રિયાના ભાગરૂપે, જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે. નાગરિકો માટે 'સ્વ-ગણના' પોર્ટલ 17 મે, 2026થી કાર્યરત થશે. જનગણનાની કામગીરી ક્ષતિરહિત બને તે માટે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 07 તાલુકા તાલીમ કેન્દ્રો અને શહેરી વિસ્તારની 04 નગરપાલિકાઓ ખાતે ગણતરીદારો તથા સુપરવાઈઝર માટે સઘન તાલીમ કાર્યક્રમ શરૂ કરાયો છે. આ તાલીમ 11 મે, 2026થી શરૂ થઈ છે અને 23 મે, 2026 સુધી ચાલુ રહેશે.
આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાગરિકોને પોતાની વિગતો સ્વયં નોંધવાની તક આપવામાં આવી છે, જેને 'સ્વ-ગણના' (Self Enumeration) કહેવાય છે. આ માટેનો સમયગાળો 17 મે, 2026 થી 31 મે, 2026 સુધીનો રહેશે. નાગરિકો se.census.gov.in પોર્ટલ પર જઈને પોતાની અને પરિવારની વિગતો ઓનલાઈન નોંધી શકશે. સ્વ-ગણના પ્રક્રિયા બાદ, હાઉસ લિસ્ટિંગ ઓપરેશન (HLO) અંતર્ગત 01 જૂન થી 30 જૂન, 2026 દરમિયાન જનગણના કર્મચારીઓ રૂબરૂ મુલાકાત લેશે. આ તબક્કામાં કર્મચારીઓ દરેક ઘરની મુલાકાત લઈને માહિતી એકત્રિત કરવાની કામગીરી હાથ ધરશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિયપણે સહભાગી થવા વિનંતી કરવામાં આવી છે. ગણતરીદારોને સાચી અને સંપૂર્ણ માહિતી આપવા જણાવાયું છે. જનગણના હેઠળ આપવામાં આવેલી તમામ વિગતો 'જનગણના અધિનિયમ' મુજબ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય તથા વિકાસલક્ષી આયોજન માટે જ થાય છે.
Read Original Article →