પંચમહાલમાં શિવરાજપુર પાસે ST બસનો ગુટકો તૂટ્યો:ત્રણ વ્યક્તિઓને અડફેટે લેતા એકને પગમાં ફ્રેક્ચર થયું

Gujarat5/12/2026, 12:44:19 PM
પંચમહાલમાં શિવરાજપુર પાસે ST બસનો ગુટકો તૂટ્યો:ત્રણ વ્યક્તિઓને અડફેટે લેતા એકને પગમાં ફ્રેક્ચર થયું
પંચમહાલ જિલ્લાના શિવરાજપુર નજીક એક ST બસનો ગુટકો તૂટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓને અડફેટે લેવાયા હતા, જેમાં એક યુવાનને પગમાં ગંભીર ફ્રેક્ચર થયું છે અને અન્ય બેને સામાન્ય ઈજાઓ પહોંચી છે. અમદાવાદથી બોડેલી તરફ જઈ રહેલી આ ST બસ શિવરાજપુર પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલુ મુસાફરીએ અચાનક તેનો 'ગુટકો' (સ્ટેરિંગ રોડનો એક ભાગ) તૂટી ગયો હતો. આના કારણે બસના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો. બેકાબૂ બસ રોંગ સાઈડ તરફ ધસી ગઈ હતી અને પેટ્રોલ પંપ નજીક ઉભેલા ત્રણ વ્યક્તિઓને ટક્કર મારી હતી. અકસ્માતમાં 18 વર્ષીય કમલેશભાઈ ગીરીશભાઈ નાયકને પગના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ગોધરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે, બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને તેમને કોઈ ઈજા થઈ ન હતી. જોકે, આ ટેકનિકલ ખામીને કારણે સર્જાયેલા અકસ્માતે ST નિગમની બસોની જાળવણી અને સુરક્ષા વ્યવસ્થા સામે ફરી સવાલો ઉભા કર્યા છે.
Read Original Article →