રૂ. 2.79 કરોડ ઉચાપતના કેસમાં ફરાર 2 આરોપી ઝડપાયા:પંચમહાલ સમગ્ર શિક્ષા કચેરી કૌભાંડમાં પોલીસને 3 દિવસના રિમાન્ડ મળ્યા

Gujarat6/8/2026, 3:56:30 PM
રૂ. 2.79 કરોડ ઉચાપતના કેસમાં ફરાર 2 આરોપી ઝડપાયા:પંચમહાલ સમગ્ર શિક્ષા કચેરી કૌભાંડમાં પોલીસને 3 દિવસના રિમાન્ડ મળ્યા
પંચમહાલના બહુચર્ચિત સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ કચેરીમાં થયેલા રૂ. 2.79 કરોડના ઉચાપત કૌભાંડ મામલે ફરાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગોધરા કોર્ટે આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે આરોપી પૂજનકુમાર રમેશચંદ્ર જોષી અને નીતિનકુમારને હિંમતનગરના હડિયોલ અને વામોચ ગામ સ્થિત તેમના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓને ગોધરા કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાંથી કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન કૌભાંડ અંગે અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ હેઠળના સમગ્ર શિક્ષા અભિયાન વિભાગમાં કરાર આધારિત કર્મચારીઓ પૂજન જોષી અને નીતિન પટેલ ફરજ બજાવતા હતા. તેમણે ખાનગી એજન્સીઓ સાથે મળીને બોગસ ખરીદી બિલોના આધારે કુલ રૂ. 2.79 કરોડની ઉચાપત કરી હતી. આ સમગ્ર મામલે ગત 1 મેના રોજ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં રાજકોટ અને ગોધરાની ત્રણ ખાનગી એજન્સીઓ સહિત કૌભાંડ આચરનાર પૂજન જોષી અને નીતિન પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
Read Original Article →