પંચમહાલમાં વરસાદમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 2નાં મોત:શહેરાના છોગાળામાં પૌત્ર અને દાદી દટાયા, પરદાદા ઈજાગ્રસ્ત; મૃતદેહો રેફરલ હોસ્પિટલ પીએમ માટે ખસેડાયા

Gujarat4/8/2026, 5:51:18 AM
પંચમહાલમાં વરસાદમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 2નાં મોત:શહેરાના છોગાળામાં પૌત્ર અને દાદી દટાયા, પરદાદા ઈજાગ્રસ્ત; મૃતદેહો રેફરલ હોસ્પિટલ પીએમ માટે ખસેડાયા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ગઈકાલે ભારે પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદે વિનાશ વેર્યો હતો. તાલુકાના છોગાળા ગામના ક્લારીયા ફળિયામાં વરસાદના કારણે મકાનની દીવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઈ જવાથી દાદી અને પૌત્રના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 1 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. દીવાલે બેના જીવ લીધા મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેજ પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આ દરમિયાન છોગાળા ગામના ક્લારીયા ફળિયામાં એક મકાનની દીવાલ અચાનક ધસી પડી હતી. દીવાલની બાજુમાં જ હાજર 42 વર્ષીય સુકલીબેન જસવંતભાઈ વણજારા અને 7 વર્ષનો પૌત્ર ધાર્મિક સુરેશભાઈ વણઝારા કાટમાળ નીચે દબાઈ ગયા હતા. બચાવ કામગીરી અને જાનહાનિ ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડી બંનેને બહાર કાઢ્યા હતા. જોકે, 7 વર્ષના ધાર્મિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા સુકલીબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં જ તેમણે દમ તોડ્યો હતો. આ દુર્ઘટનામાં ઘરમાં હાજર મૃતક મહિલાના સસરા ખતું વણઝારાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસ કાર્યવાહી બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. શહેરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના 2 સભ્યોના અકાળે અવસાનથી છોગાળા પંથકમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે.
Read Original Article →