પંચમહાલમાં વડાપ્રધાનના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી કરાશે:'પ્રગતિ પથ યાત્રા' અને 'જન કલ્યાણ શિબિર' યોજાશે, જિલ્લામાં 20 જૂન સુધી વિવિધ કાર્યક્રમો
પંચમહાલ જિલ્લામાં વડાપ્રધાનના 12 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે 'પ્રગતિ પથ યાત્રા' અને 'જન કલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસના ફળો છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો નિર્ધાર કરાયો છે. આ સમગ્ર આયોજન અંગેની વિગતવાર માહિતી આપવા માટે ગોધરા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું કે, જિલ્લામાં 20 જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. આ અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં જન કલ્યાણ શિબિરો દ્વારા નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ અપાશે. આ ઉપરાંત, 13 જૂન, 2026 ના રોજ પ્રબુદ્ધ સંમેલનના ભાગરૂપે 'વિકસિત ભારત સંમેલન'નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં વિકાસની ગતિ પ્રદર્શિત કરવા માટે 'પ્રગતિ પથ યાત્રા'નું બે તબક્કામાં આયોજન કરાયું છે. પ્રથમ તબક્કો 9 અને 10 જૂન દરમિયાન, જ્યારે બીજો તબક્કો 11 અને 12 જૂન દરમિયાન યોજાશે. આ યાત્રા દરમિયાન ગોધરાના કનેલાવ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ચંચોપા ખાતે નવીન આર.ટી.ઓ. કચેરી, ગોધરા રેન્જ આઈજીની નવીન કચેરી અને પંચમહાલ ડેરીના અત્યાધુનિક ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ જેવા મહત્વના વિકાસલક્ષી પ્રકલ્પોની મુલાકાત લેવામાં આવશે. વધુમાં, શહેરાના મહેલાણ ખાતે પાનમ લિફ્ટ ઇરીગેશન યોજના, મોરવા હડફની ગવર્નમેન્ટ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તેમજ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વહીવટી ભવન જેવા પ્રકલ્પોની પ્રગતિની સમીક્ષા કરાશે. યાત્રાના અંતિમ ચરણમાં હાલોલના વિરાસત વન અને પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માં મહાકાળીના મંદિરની પણ મુલાકાત લેવાશે.
Read Original Article →