13 વર્ષથી નાસતો ફરતો આરોપી કચ્છમાંથી ઝડપાયો:પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે રીઢા આરોપીને દબોચી લીધો

Gujarat4/10/2026, 9:28:26 AM
13 વર્ષથી નાસતો ફરતો આરોપી કચ્છમાંથી ઝડપાયો:પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે રીઢા આરોપીને દબોચી લીધો
રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ મહાનિર્દેશક દ્વારા આયોજિત રાજ્યવ્યાપી 'મેગા ડ્રાઈવ' અંતર્ગત પંચમહાલ પોલીસને મોટી સફળતા મળી છે. પેરોલ ફ્લો સ્ક્વોડે 13 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા રીઢા આરોપીને કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાંથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી જેસાભાઈ ઉર્ફે જયેશભાઈ રાધાભાઈ રબારી વિરુદ્ધ વર્ષ 2013માં વેજલપુર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી (IPC કલમ 406, 420)નો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તે મુખ્ય આરોપી હતો અને છેલ્લા 13 વર્ષથી ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. પંચમહાલ રેન્જ IG વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ડો. હરેશ દૂધાતની સૂચના મુજબ, પેરોલ ફ્લો સ્ક્વોડના PSI બી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી. આ દરમિયાન ASI હાર્દિકકુમાર કાનાભાઈને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા સચોટ માહિતી મળી હતી કે આરોપી હાલ કચ્છના અંજાર તાલુકાના ભાદરોઈ ગામે છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી જેસાભાઈ રબારીને કસ્ટડીમાં લીધો હતો. પંચમહાલ પોલીસે આરોપીનો કબજો મેળવી, તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. 13 વર્ષ જૂના વણઉકેલાયેલા ગુનાના આરોપીને પકડવા બદલ પોલીસની આ કામગીરીની સરાહના થઈ રહી છે.
Read Original Article →