પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી:જિલ્લા પંચાયતની 1, તાલુકા પંચાયતની 11 બેઠકો બિનહરીફ જાહેર
પંચમહાલ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ જિલ્લા પંચાયતની 1 અને તાલુકા પંચાયતની 11 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ આ ચિત્ર સ્પષ્ટ થયું છે. જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકો પૈકી સાંપા બેઠક બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે હાલોલ, કાલોલ અને શહેરા તાલુકા પંચાયતોની કુલ 11 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જિલ્લા પંચાયતની 38 બેઠકો માટે કુલ 174 ઉમેદવારી ફોર્મ મળ્યા હતા. ચકાસણી પ્રક્રિયા દરમિયાન 115 ફોર્મ માન્ય જ્યારે 59 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. આ પૈકી સાંપા બેઠક પર એકમાત્ર ઉમેદવાર હોવાથી તે બિનહરીફ જાહેર થઈ છે. તાલુકા પંચાયતોની કુલ 174 બેઠકો માટે 688 ફોર્મ ભરાયા હતા. ચકાસણીના અંતે 489 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા, જ્યારે 200 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. કુલ 11 તાલુકા પંચાયત બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાં શહેરા તાલુકા પંચાયતની 7, હાલોલ તાલુકા પંચાયતની 3 અને કાલોલ તાલુકા પંચાયતની 1 બેઠકનો સમાવેશ થાય છે. ફોર્મ ખેંચવાની અંતિમ મુદત બાદ હવે બાકી રહેલી બેઠકો પર ખરાખરીનો જંગ જામશે. વહીવટી તંત્ર દ્વારા હાલમાં ચૂંટણીની બાકીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગોધરા નગરપાલિકાની વાત કરીએ તો, કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે 186 ઉમેદવારી પત્રો ઉપાડવામાં આવ્યા હતા અને 153 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ચકાસણીના અંતે 142 ઉમેદવારી પત્રો માન્ય જ્યારે 44 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા હતા. ગોધરા નગરપાલિકાના 11 વોર્ડ પૈકી 7 વોર્ડમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે, જ્યારે અન્ય 4 વોર્ડમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો જોવા મળ્યો છે. કુલ 142 માન્ય ઉમેદવારી પત્રોમાંથી 77 અપક્ષ ઉમેદવારો માન્ય રહ્યા છે. સૌથી વધુ ઉમેદવારો વોર્ડ-9 માં નોંધાયા છે, જ્યાં 26 માન્ય ઉમેદવારી પત્રો છે. જ્યારે વોર્ડ-3 માં 7 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે.
Read Original Article →