ગોધરા નજીકથી દારૂ ભરેલી બોલેરો, ચોરાયેલી કાર ઝડપાઈ:પંચમહાલ LCB અને SOGની અલગ-અલગ કાર્યવાહીમાં સફળતા
પંચમહાલ LCB અને SOG ટીમે અલગ-અલગ કાર્યવાહી કરીને ગોધરા નજીકથી દારૂ ભરેલી બોલેરો અને અમદાવાદથી ચોરાયેલી કાર ઝડપી પાડી છે. પંચમહાલ LCB ટીમે ગોધરા તાલુકાના ગોલ્લાવ નજીક ગત રાત્રે બાતમીના આધારે વોચ ગોઠવી નાકાબંધી કરી હતી. શંકાસ્પદ હાલતમાં આવી રહેલી એક બોલેરો ગાડીને રોકવામાં આવતા, તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન બોલેરો ગાડીનો ચાલક અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે બોલેરો ગાડી અને વિદેશી દારૂ સહિત કુલ ₹7.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફરાર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, પંચમહાલ SOG ટીમને વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. SOG ટીમે આજે બાતમીના આધારે અમદાવાદ શહેરના ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલી ઈકો કાર ગોધરાના સિમલા વિસ્તારમાં આવેલા એક ખેતરમાંથી શોધી કાઢી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચોરીની ગાડી વસીમ સિદ્દીક સમોલ નામના વ્યક્તિએ વેચી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
Read Original Article →