ગોધરા 'શ્રી કમલમ'ની બેઠકમાં હાઈકમાન્ડના મેન્ડેટને જાહેર કરાયો:પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે નિરજ પટેલ અને ઉપપ્રમુખ પદે મહેન્દ્રસિંહ ચાવડાની જાહેરાત
પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પંચાયતમાં સ્પષ્ટ બહુમતી ધરાવતી ભાજપે પ્રમુખ તરીકે નિરજ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ ચાવડાની પસંદગી કરી છે. આ ઉપરાંત, કારોબારી અધ્યક્ષ તરીકે મગન પટેલિયાના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. ગોધરા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે જિલ્લા ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા તમામ સભ્યોની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ હાઈકમાન્ડ તરફથી મોકલવામાં આવેલા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપે આ વખતે નવા ચહેરાઓ અને અનુભવના સમન્વયને પ્રાધાન્ય આપ્યું છે. મેન્ડેટ જાહેર થતાં જ પક્ષના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આવતીકાલે પ્રથમ સામાન્ય સભા
પક્ષ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોએ આજે જ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે વિધિવત રીતે પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે. આવતીકાલે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાશે, જેમાં આ હોદ્દાઓ પર સત્તાવાર રીતે આખરી મહોર મારવામાં આવશે. નવા સુકાનીઓ પંચમહાલના વિકાસને કઈ દિશામાં લઈ જશે તેના પર હવે સૌની નજર રહેશે.
Read Original Article →