પંચમહાલમાં RBSK હેઠળ 4.15 લાખથી વધુ બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ:426 બાળકોને જન્મજાત હૃદયરોગની બીમારી, 70750 બાળકોમાં જન્મજાત ખામીઓ; 40580 બાળકોને ગંભીર તકલીફો
પંચમહાલ જિલ્લામાં શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ 4.15 લાખથી વધુ બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ સ્ક્રીનિંગ દરમિયાન 426 બાળકોમાં જન્મજાત હૃદયરોગ હોવાનું નિદાન થયું છે, જે ચિંતાજનક આંકડો દર્શાવે છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, વર્ષ 2025-26 દરમિયાન કુલ 4,84,109 બાળકોની નોંધણી કરવામાં આવી હતી. તેમાંથી આરોગ્ય ટીમો દ્વારા 4,15,822 બાળકોનું પ્રત્યક્ષ સ્વાસ્થ્ય પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સઘન તપાસમાં જિલ્લાના 70,750 બાળકોમાં '4D' એટલે કે જન્મજાત ખામીઓ, ઉણપ રોગો અને વિકાસમાં વિલંબ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. આમાંથી 40,580 ગંભીર તકલીફો ધરાવતા બાળકોને સમયસર સારવાર મળી રહે તે માટે જિલ્લા કક્ષાની હોસ્પિટલો અને ઉચ્ચ સ્તરના તબીબી કેન્દ્રોમાં રીફર કરવામાં આવ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્રના અહેવાલ મુજબ, જન્મજાત ખામીઓ અને જટિલ રોગોમાં સૌથી વધુ 426 બાળકો જન્મજાત હૃદયરોગથી પીડિત હોવાનું સામે આવ્યું છે. અન્ય ગંભીર જન્મજાત ખામીઓમાં 61 બાળકો ક્લબફૂટ, 59 બાળકો ક્લેફ્ટ લીપ અને પેલેટ, 25 બાળકો જન્મજાત બધિરતા, 25 બાળકો ડાઉન સિન્ડ્રોમ, 10 બાળકો જન્મજાત મોતિયો અને 8 બાળકો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ સાથે મળી આવ્યા છે. માઇક્રોસેફાલીના 5 અને મેક્રોસેફાલીના 9 કેસ નોંધાયા છે, જ્યારે રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટીના 7 કિસ્સાઓ પણ સામે આવ્યા છે.સામાન્ય અને મોસમી રોગોની શ્રેણીમાં ત્વચા અને દાંતના રોગોનું પ્રમાણ બાળકોમાં સૌથી વધુ જોવા મળ્યું છે. આરોગ્ય તપાસ દરમિયાન 16,930 બાળકો ત્વચાના વિવિધ રોગોથી અને 15,184 બાળકો દાંતની તકલીફોથી પીડાતા હોવાનું જણાયું છે. આ ઉપરાંત, શ્વાસનળીના રોગોના 12,864 કેસ, ઓટાઇટીસ મીડિયા (કાનના ચેપ)ના 3,587 કેસ અને કરમિયાના ચેપના 2,791 કેસ પણ નોંધાયા છે. બાળકોમાં જોવા મળતા અન્ય ગંભીર રોગોમાં 227 બાળકોમાં સિકલ સેલ એનિમિયાના લક્ષણો, 82 બાળકોમાં બાળ ડાયાબિટીસ, 63 બાળકોમાં કિડનીના રોગો અને 11 બાળકોમાં આંચકી આવવાના રોગોનું નિદાન કરવામાં આવ્યું છે.
Read Original Article →