પંચમહાલમાં પોણા ત્રણ કરોડનું ઉચાપત કૌભાંડ:એડિશનલ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપીઓ પુજન જોષી અને નિતિન પટેલના આગોતરા જામીન નામંજૂર કર્યા

Gujarat5/15/2026, 4:01:58 PM
પંચમહાલમાં પોણા ત્રણ કરોડનું ઉચાપત કૌભાંડ:એડિશનલ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપીઓ પુજન જોષી અને નિતિન પટેલના આગોતરા જામીન નામંજૂર કર્યા
પંચમહાલ જિલ્લાની સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ કચેરીમાં થયેલા રૂ. 2.79 કરોડના ઉચાપત કૌભાંડ મામલે, પંચમહાલ એડિશનલ સેશન્સ કોર્ટે બે મુખ્ય આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. આ કેસમાં પુજનકુમાર રમેશચંદ્ર જોષી અને નિતિનકુમાર જયંતીભાઈ પટેલ વિરુદ્ધ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે રૂ. 2 કરોડ 79 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ ખરીદી પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ બનાવટી બિલો તૈયાર કર્યા હતા. આ રીતે સરકારી ગ્રાન્ટમાંથી કુલ રૂ. 2 કરોડ 79 લાખની ઉચાપત કરવામાં આવી હતી. જે.એસ. કોમ્પ્યુટર (ગોધરા), શ્રી રામ એન્ટરપ્રાઈઝ, વેદીકા એન્ટરપ્રાઈઝ અને અક્ષર સેફટી પ્રોડક્ટ્સ (રાજકોટ) જેવી એજન્સીઓને માલસામાન પૂરો પાડ્યા વગર જ નાણાં ટ્રાન્સફર કરી દેવાયા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે આ નાણાં રાત્રિના 12:30 કલાકે ટ્રાન્સફર થયા હતા, જે ઓફિસ કામગીરી પર શંકા ઊભી કરે છે. જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરે દલીલ કરી હતી કે આરોપીઓએ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળની ગ્રાન્ટનો દુરુપયોગ કરીને સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. કોર્ટે આ દલીલ ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.
Read Original Article →