પંચમહાલમાં વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો રદ:ગંભીર ગેરરીતિ બદલ રૂ. 1.86 લાખનો દંડ ફટકારાયો
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીએ ગંભીર ગેરરીતિ બદલ એક વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કર્યો છે. આ કાર્યવાહી અંતર્ગત દુકાનને રૂ. 1.86 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, જેના કારણે ગરીબોના હકનું અનાજ સગેવગે કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગરના માર્ગદર્શન હેઠળ હાલોલ તાલુકાની પુરવઠા ટીમે મસવાડ ગામમાં આવેલી 'જય જલારામ મિશન સ્વસહાય જૂથ' દ્વારા સંચાલિત વ્યાજબી ભાવની દુકાનની તપાસ કરી હતી. આ તપાસના અંતે દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરી રૂ. 1,83,957/- નો દંડ વસૂલવાનો આદેશ કરાયો છે. પુરવઠા ટીમે ગત તારીખ 19/02/2026 ના રોજ કરેલી આકસ્મિક તપાસમાં દુકાનમાંથી ઘઉં, ચોખા અને ખાંડના જથ્થામાં મોટી ઘટ મળી આવી હતી. જેમાં 980.666 કિલોગ્રામ ઘઉં, 2053.280 કિલોગ્રામ ચોખા અને 199.435 કિલોગ્રામ ખાંડનો ઓછો જથ્થો નોંધાયો હતો. આ ઉપરાંત, દુકાન પર ભાવ અને જથ્થાનું બોર્ડ પ્રદર્શિત ન કરવું, અનાજના નમૂના ન રાખવા, NFSA રેશનકાર્ડની યાદી ન લગાવવી અને ફરિયાદ પેટી ન રાખવા જેવી ગંભીર બેદરકારીઓ પણ જોવા મળી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું કે કાર્ડધારકોને કૂપન આપવામાં આવતી ન હતી અને તેમને મળવાપાત્ર જથ્થાની માહિતી છુપાવીને લાભાર્થીઓના હિતોને નુકસાન પહોંચાડવામાં આવતું હતું. આ ગેરરીતિઓ બદલ દુકાનના સંચાલક નરેશ નગીન પરમારને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, તેઓ જિલ્લા પુરવઠા કચેરી સમક્ષ કોઈ સંતોષકારક ખુલાસો કે પુરાવા રજૂ કરી શક્યા ન હતા. પરવાનાની શરતોનો ભંગ સ્પષ્ટપણે પુરવાર થતાં, જિલ્લા પુરવઠા અધિકારીએ કાયમી પરવાનો રદ કરવા અને દંડ વસૂલવાનો આદેશ કર્યો છે.
Read Original Article →