પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી:નીરજ પટેલ પ્રમુખ, મહેન્દ્ર ચાવડા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા

Gujarat5/23/2026, 10:55:47 AM
પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી:નીરજ પટેલ પ્રમુખ, મહેન્દ્ર ચાવડા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા
પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા શનિવારે ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી. જેમાં પ્રમુખ પદે નીરજ પટેલ અને ઉપપ્રમુખ પદે મહેન્દ્ર ચાવડા સર્વાનુમતે બિનહરીફ ચૂંટાયા છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જિલ્લા કલેક્ટર અજય દહિયા અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) પ્રણવ વિજયવર્ગીયની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આરોગ્ય અને શિક્ષણ મારી મુખ્ય પ્રાથમિકતા: નવનિયુક્ત પ્રમુખ પદભાર સંભાળતાની સાથે જ નવનિયુક્ત પ્રમુખ નીરજ પટેલે જિલ્લાના વિકાસ માટે પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રે વ્યાપક તેમજ અસરકારક કામગીરી કરવી એ મારી મુખ્ય પ્રાથમિકતા રહેશે. આ ઉપરાંત, અંતરિયાળ વિસ્તારના છેવાડાના માનવી સુધી તમામ સરકારી યોજનાઓના લાભ સચોટ રીતે પહોંચાડવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે." રાજકીય આગેવાનો દ્વારા શુભેચ્છાઓનો વરસાદ નવનિયુક્ત પ્રમુખ કાલોલ વિસ્તારના હોવાથી સ્થાનિક રાજકીય વર્તુળો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, "અમારી ગેરહાજરીમાં પણ પ્રજાના પ્રશ્નોનું યોગ્ય અને સચોટ નિરાકરણ લાવી શકે તેવા સક્ષમ, સનિષ્ઠ અને લોકહિતની ચિંતા કરનારા પ્રમુખ જિલ્લાને મળ્યા છે." સાંસદ રાજપાલ સિંહ જાદવે હર્ષની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, "મારા મત વિસ્તાર કાલોલમાંથી જ જિલ્લા પ્રમુખની પસંદગી થવી એ સમગ્ર વિસ્તાર માટે ગર્વની વાત છે." જિલ્લાના વહીવટી વડાઓની હાજરીમાં બિનહરીફ વરણી થતાં જ જિલ્લા પંચાયત પરિસરમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા અને નવા હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી વધાવી લીધા હતા.
Read Original Article →