પંચમહાલમાં 2000 આંગણવાડી કાર્યકરોને સ્માર્ટફોન અપાયા:કામગીરી ડિજિટલ બનશે, વહીવટમાં પારદર્શિતા આવશે
પંચમહાલ જિલ્લામાં આંગણવાડી કાર્યકરોની કામગીરીને ડિજિટલ અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જિલ્લાની આંગણવાડી બહેનો હવે ટેકનોલોજીથી સજ્જ થઈ 'સ્માર્ટ કામગીરી' કરશે. આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ 2,096 સ્માર્ટફોનનું વિતરણ કરવામાં આવ્યું છે. આ વિતરણમાં 2,000 આંગણવાડી કાર્યકર બહેનો ઉપરાંત મુખ્ય સેવિકા અને તાલુકા કક્ષાના સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ સ્માર્ટફોનના ઉપયોગથી વહીવટી કામગીરીમાં પેપરલેસ અભિગમ અપનાવવામાં આવશે, જેનાથી ડેટા એન્ટ્રીમાં ચોકસાઈ આવશે. આંગણવાડીની કામગીરીમાં પારદર્શિતા અને સરળતા વધશે. અત્યાર સુધી આંગણવાડીની કામગીરીમાં વિવિધ રજિસ્ટરો નિભાવવા પડતા હતા, પરંતુ હવે સ્માર્ટફોન દ્વારા તમામ વિગતો ઓનલાઈન પોર્ટલ પર ત્વરિત અપડેટ કરી શકાશે. આનાથી બાળકોના પોષણ સ્તરની દેખરેખ રાખવી સરળ બનશે અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પારદર્શિતાથી પહોંચાડી શકાશે. રિપોર્ટિંગની કામગીરી પણ ઝડપી અને ભૂલરહિત બનશે.
આ ડિજિટલ પહેલથી આંગણવાડી બહેનોનો સમય બચશે, જેથી તેઓ બાળકોના પાયાના શિક્ષણ અને આરોગ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ ક્રાંતિ ગ્રામીણ સ્તરે વહીવટને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.
Read Original Article →