પાણીની સમસ્યા અંત થતાં સ્થાનિકોમાં આનંદની લહેર:ગોધરા વોર્ડ 8માં પાણીની સમસ્યા ઉકેલવા સભ્યોએ સ્વખર્ચે બોર કર્યો
ગોધરા નગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા છેવાડાના વિસ્તારોમાં વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી હતી.ખાસ કરીને સિગ્નલ ફળીયા અને ઇમરાન મસ્જિદ આસપાસના રહીશોને પાણી માટે દૂર-દૂર સુધી ભટકવું પડતું હતું. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે નવનિર્વાચિત કાઉન્સિલરોએ સરકારી ગ્રાન્ટ કે તંત્રના સાથ-સહકારની રાહ જોયા વિના માનવતાના ધોરણે સ્વખર્ચે બોર બનાવીને પ્રશંસનીય કાર્ય કર્યું છે. વર્ષ 2026ની પાલિકા ચૂંટણીમાં વોર્ડ નં.8 માંથી વિજેતા બનેલા ઉમેદવાર અસલમભાઈ દુર્વેશ અને મહિલા કાઉન્સિલર ફેમીદાબેન વલીવાંકા સમક્ષ સ્થાનિકોએ પાણીની તંગી અંગે રજૂઆત કરી હતી. રહીશોની વર્ષો જૂની વેદના સમજીને બંને કાઉન્સિલરોએ તાત્કાલિક નિર્ણય લીધો હતો અને અંદાજે ₹50 હજારના ખર્ચે બોરિંગ તેમજ નવીન પાઈપલાઈન નાખવાની કામગીરી શરૂ કરાવી હતી.ઇમરાન મસ્જિદ પાસેના છેવાડાના વિસ્તારોમાં બોરિંગની કામગીરી આજરોજ પૂર્ણ થતા સ્થાનિકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. વર્ષોથી પાણી માટે વલખાં મારતી મહિલાઓને હવે ઘર આંગણે પાણી મળતું થતા કાઉન્સિલરોનો આભાર માન્યો હતો.આ કામગીરી દ્વારા કાઉન્સિલરોએ સાબિત કર્યું છે કે જો ઈચ્છાશક્તિ હોય તો તંત્રની મંજૂરીઓની લાંબી પ્રક્રિયામાં પડ્યા વગર પણ લોકોની પાયાની જરૂરિયાતો પૂરી કરી શકાય છે. વર્ષોની સમસ્યા અમારા માટે પ્રાથમિકતા હતી
"વોર્ડ નં. 8 ના રહીશોની પાણીની વર્ષો જૂની સમસ્યા અમારા માટે પ્રાથમિકતા હતી. સિગ્નલ ફળીયાના છેવાડાના વિસ્તારોમાં લોકોને પડતી હાલાકી દૂર કરવા અમે સ્વખર્ચે બોર બનાવવાનો નિર્ણય લીધો હતો. આજરોજ આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થતા અમને સંતોષ છે.">અસલમભાઈ દુર્વેશ, કાઉન્સિલર (વોર્ડ નં. 8)
Read Original Article →