રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મલાવ ગામે વૃક્ષારોપણ કર્યું:ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા, પર્યાવરણ જતનનો સંદેશ
પંચમહાલ જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કાલોલ તાલુકાના મલાવ ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું અને સ્વચ્છતા અભિયાનમાં પણ ભાગ લીધો હતો. રાજ્યપાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો અને વાવેલા વૃક્ષોની સંભાળ રાખવા તેમજ ગામને હરિયાળું બનાવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, રાજ્યપાલે ગામમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની ગ્રામ પંચાયત કોમ્યુનિટી હોલના પટાંગણમાં સફાઈ કરી હતી. તેમણે ગ્રામજનોને ગામને સ્વચ્છ રાખવા માટે અપીલ પણ કરી હતી. આ પ્રસંગે તેમણે ગામના સફાઈકર્મીઓનું અભિવાદન કર્યું હતું. રાજ્યપાલે તેમની જિલ્લા મુલાકાતનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, તેઓ ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત દરેક તાલુકામાંથી એક ગામની પસંદગી કરે છે. ત્યાં તેઓ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન ચલાવે છે. ત્યારબાદ અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવાર સાથે રાત્રી ભોજન કરે છે અને ગ્રામ ઉત્થાનના વિષયો પર સંવાદ કરે છે. રાત્રી રોકાણ સરકારી શાળામાં કર્યા બાદ બીજા દિવસે સવારે વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કરે છે. તેઓ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ખેતરે જઈ ગૌ દુગ્ધ દોહન કરે છે, ખેતરનું નિરીક્ષણ કરી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપે છે. અંતે, તાલુકાના તમામ ગામોના ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે પરિસંવાદ કરે છે.
મલાવ ગામમાં રાજ્યપાલના આગમન વેળાએ ગ્રામજનોએ ઢોલ અને ત્રાંસ વગાડીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, પ્રાંત અધિકારી નિરલ મોદી, ગ્રામ સરપંચ જીગરભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →