ગોધરામાં યુવાન પર ચપ્પુથી હુમલો:ઝાકીર હુસૈન સ્કૂલ પાસે ઘટના, આરોપી ફરાર
ગોધરા શહેરમાં એક યુવાન પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના ઝાકીર હુસૈન સ્કૂલના મેદાન નજીક બની હતી. હયાતની વાડી વિસ્તારમાં રહેતા 18 વર્ષીય આદિલ તાહીર ગીતેલી પર 11 એપ્રિલના રોજ બપોરે હુમલો થયો હતો. પોલીસ સૂત્રો અનુસાર, આદિલ અને તેના પડોશી રીઝવાન ઇમરાન અલ્લી વચ્ચે 10 એપ્રિલની રાત્રે બોલાચાલી થઈ હતી. આ અદાવત રાખીને રીઝવાને બીજા દિવસે બપોરે આદિલ પર હુમલો કર્યો હતો. આદિલ પોતાની બાઈક પર પોલન બજાર તરફથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે ઝાકીર હુસૈન સ્કૂલ નજીક આવેલા મેદાન પાસેથી પસાર થતો હતો. તે સમયે રીઝવાન ત્યાં હાજર હતો અને તેણે અચાનક ચપ્પુ વડે આદિલના ડાબા હાથ પર હુમલો કર્યો. આદિલ નીચે પડી જતાં રીઝવાને તેના પેટના ડાબા ભાગે ફરી ચપ્પુ મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ રીઝવાન ઇમરાન અલ્લીએ આદિલને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત આદિલની બુમાબુમ સાંભળીને નજીકમાંથી પસાર થતો તેનો મિત્ર તરત જ ત્યાં પહોંચ્યો અને તેને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કર્યો. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપી રીઝવાન ઇમરાન અલ્લીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
Read Original Article →