ગોધરા પરિણીતા આત્મહત્યા કેસ: મુખ્ય આરોપી પોલીસ સમક્ષ હાજર:પ્રેમસંબંધ રાખવા માટે સતત દબાણ કરી ધમકી આપતા પરિણીતાએ ગળે ફાસો ખાંધો હતો
ગોધરાની સત્યમ સોસાયટીમાં પરિણીતાની આત્મહત્યાના ચકચારી કેસમાં મુખ્ય આરોપી કલ્પેશ ઉર્ફે મોન્ટુ રાવળ પોલીસ સમક્ષ હાજર થયો છે. પોલીસે તપાસનો ગાળિયો મજબૂત કરતા આરોપીએ કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે ગોધરા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્વયં હાજરી આપી હતી. આ ઘટના ગોધરાના બામરોલી રોડ પર આવેલી સત્યમ સોસાયટીમાં 2 મેના રોજ બની હતી. ગાયત્રીબેન સચિન રાવળ નામની પરિણીતાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેઓ બે સંતાનોની માતા હતા. મૃતક પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં ગાયત્રીબેને ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમના કાકા સસરા કલ્પેશ ઉર્ફે મોન્ટુ રાવળ દ્વારા પ્રેમસંબંધ રાખવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. આરોપી ગાયત્રીબેનની અંગત પળોના અશ્લીલ ફોટો અને વીડિયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકીઓ પણ આપતો હતો. આ સતત ત્રાસ અને દબાણથી કંટાળીને પરિણીતાએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું સુસાઈડ નોટમાં લખ્યું હતું. મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે ગોધરા શહેર 'એ' ડિવિઝન પોલીસે ચાર લોકો વિરુદ્ધ મરવા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો હતો. આરોપીઓમાં મુખ્યત્વે કલ્પેશ ઉર્ફે મોન્ટુ રાવળ (કાકા સસરા), મણીલાલ રાવળ (આરોપીના પિતા), બકુલબેન મણીલાલ રાવળ (આરોપીના માતા) અને સંતોષભાઈ રાવળ (આરોપીના મામા) નો સમાવેશ થાય છે. હાલમાં, એ-ડિવિઝન પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →