ગોધરાના વોર્ડ 9માં ગટર સમસ્યાથી સ્થાનિકોમાં રોષ:લાઇન તૂટી જતાં ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા, મચ્છરોનો ઉપદ્રવ વધ્યો; સ્થાનિકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં મતદારોનો મિજાજ જાણવા પહોંચી હતી. વોર્ડ નંબર 9ના 'છકડાવાડ' વિસ્તારમાં ગટરની ગંભીર સમસ્યા સામે આવી છે. ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોએ આ સમસ્યાના નિરાકરણ ન આવે તો આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. રહીશોના આક્ષેપ મુજબ, છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની લાઇન તૂટી ગઈ છે. જેના કારણે ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. આ ગંદકીને લીધે ભારે દુર્ગંધ ફેલાઈ છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેનાથી સ્થાનિકોનું જીવન મુશ્કેલ બન્યું છે. સ્થાનિક રહીશ સલીમ ભીખાપુરવાલાએ જણાવ્યું હતું કે, "અમે અહીં 10 વર્ષથી રહીએ છીએ, પરંતુ છેલ્લા બે વર્ષથી આ ગટરની લાઇન રીપેર થઈ નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. જો કોઈ ગંભીર બીમારી ફેલાશે તો તેની જવાબદારી કોની રહેશે?" અન્ય એક સ્થાનિક અરબાઝે તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવતા કહ્યું કે, "તંત્રને જરાય પડી નથી. મારા દાદા પણ આ ગંદકીને કારણે બીમાર પડ્યા છે. અમારી ફરિયાદોનો કોઈ રિસ્પોન્સ મળતો નથી." એક મહિલા રહીશે પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે, "ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. બાળકો શાળાએ કેવી રીતે જાય? રમઝાન દરમિયાન પણ બાળકો બીમાર પડ્યા હતા અને તેમને દવાખાને દાખલ કરવા પડ્યા હતા. આ વખતે અમે વોટ આપવાના નથી, કારણ કે વોટ આપીને શું ફાયદો?" આ ગંભીર સમસ્યાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે, જો રસ્તા અને ગટરની સુવિધા નહીં મળે તો તેઓ આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે. હવે જોવું રહ્યું કે તંત્ર આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવે છે.
Read Original Article →