ભાજપ દ્વારા 5 થી 21 જૂન સુધી જનલક્ષી કાર્યક્રમોનું આયોજન:ગોધરામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ, પ્રદેશ નેતાઓએ માર્ગદર્શન આપ્યું

Gujarat5/25/2026, 1:46:15 PM
ભાજપ દ્વારા 5 થી 21 જૂન સુધી જનલક્ષી કાર્યક્રમોનું આયોજન:ગોધરામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ, પ્રદેશ નેતાઓએ માર્ગદર્શન આપ્યું
ગુજરાત ભાજપ સંગઠન દ્વારા 5 જૂનથી 21 જૂન સુધી રાજ્યભરમાં વિવિધ જનલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોના આયોજન અને અમલીકરણ અંગે માર્ગદર્શન આપવા માટે એક વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ વર્ચ્યુઅલ બેઠક ગોધરાના ગદૂકપુર ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાંથી ડૉ. સંજય જયસ્વાલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી, કાર્યક્રમ ઇન્ચાર્જ ભરત પંડ્યા, પ્રદેશ મહામંત્રીઓ અને પ્રદેશ હોદ્દેદારોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગોધરા ખાતેની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, પ્રભારી હર્ષદ વસાવા, રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, પ્રદેશ ઉપાધ્યક્ષ જયદ્રથસિંહ પરમાર, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, મહામંત્રીઓ કુલદીપસિંહ અને નરેન્દ્રસિંહ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગામી કાર્યક્રમોમાં 5 જૂને પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ, જનસંપર્ક અભિયાન, જિલ્લાના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે સંપર્ક અભિયાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેન્દ્ર અને રાજ્યના વિકાસના પ્રગતિના આયામો દર્શાવતી પ્રગતિ પથ યાત્રા અને વિકસિત ભારત સંમેલન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનો પણ યોજાશે. વધુમાં, મોદી સરકારની સિદ્ધિઓ દર્શાવતું પ્રદર્શન, જનકલ્યાણ શિબિરો (જ્યાં સંગઠનના કાર્યકર્તાઓ પ્રજાના જરૂરી કામોમાં મદદરૂપ થશે) અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા માટે પ્રાકૃતિક ખેતી કાર્યશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમો દરમિયાન ગુજરાત ભાજપ અને પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ સાંસદો, ધારાસભ્યો, જિલ્લા, તાલુકા અને પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભાજપ સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનો છે.
Read Original Article →