ગોધરાના ટુવા ગામમાં વીજ વાયરથી ભેંસનું મોત:જોખમી પોલ-વાયરોથી જીવનું જોખમ;10 દિવસથી ખેડૂતો પરેશાન

Gujarat6/6/2026, 10:37:28 AM
ગોધરાના ટુવા ગામમાં વીજ વાયરથી ભેંસનું મોત:જોખમી પોલ-વાયરોથી જીવનું જોખમ;10 દિવસથી ખેડૂતો પરેશાન
ગોધરા તાલુકાના ટુવા ગામમાં વીજ કંપનીની બેદરકારીને કારણે ખેડૂતો છેલ્લા 10 દિવસથી પરેશાન છે. ખેતરોમાં નમી પડેલા વીજપોલ અને ઝોલ ખાતા વાયરોથી જીવનું જોખમ ઊભું થયું છે. આદર રાઠોડના મુવાડા ગામે તૂટી પડેલા જીવંત વીજ વાયરને કારણે ગત બુધવારે એક ભેંસનું મોત નીપજ્યું હતું. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ટુવા ગામના ખેડૂતો છેલ્લા દસ દિવસથી ખેતી વિષયક વીજળીને લઈને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વીજ કંપની દ્વારા અનિયમિત વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે, જેના કારણે ખેતીના કામો ખોરવાઈ ગયા છે. વીજ તંત્રની ઘોર બેદરકારીને કારણે અનેક ખેતરોમાં વીજપોલ જોખમી રીતે નમી પડ્યા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, ખેતરોમાંથી પસાર થતી મુખ્ય લાઈનોના જીવંત વીજ વાયરો નીચા આવીને ઝોલ ખાઈ રહ્યા છે. આ લટકતા અને ઝોલ ખાતા હાઈ-વોલ્ટેજ વાયરોના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, તેમને જીવના જોખમે ખેતરમાં કામ કરવા મજબૂર બનવું પડી રહ્યું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ ત્વરિત ધોરણે નમી પડેલા પોલ સીધા કરવા અને નિયમિત વીજળી આપવાની માંગ કરી છે. આ અંગે MGVCL કાકણપુર વિભાગના ડેપ્યુટી એન્જિનિયર સી.આર. પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 30થી વધુ TC વીજ પોલ સ્ટ્રક્ચર નુકસાનની ફરિયાદો આવી છે. તેમણે ઉમેર્યું કે, તબક્કાવાર સમારકામ કરવામાં આવી રહ્યું છે અને જોખમી વાયર તથા વીજપોલને પ્રાથમિકતા આપીને ઝડપી સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે.
Read Original Article →