ગોધરા SP કચેરીમાં 'જન સંપર્ક કેન્દ્ર' કાર્યરત:અરજદારોની સુવિધા માટે ડૉ. હરેશ દુધાતે કર્યું ઉદ્ઘાટન
પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગોધરા SP કચેરી ખાતે અરજદારોની સુવિધા માટે 'જન સંપર્ક કેન્દ્ર'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતના હસ્તે આ કેન્દ્રનું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું. આ કેન્દ્રનો મુખ્ય હેતુ વહીવટી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો અને અરજદારોને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવાનો છે. ગોધરા સ્થિત જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ આવતા નાગરિકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે સુનિશ્ચિત કરાશે. 'જન સંપર્ક કેન્દ્ર' દ્વારા અરજદારોને કયા વિભાગમાં અને કયા અધિકારીને મળવું તેની સચોટ માહિતી પૂરી પાડવામાં આવશે. તેમની રજૂઆતોનો ઝડપી નિકાલ થાય તે માટે પણ અહીં ખાસ સ્ટાફ તૈનાત રહેશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ કેન્દ્ર પોલીસ અને પ્રજા વચ્ચેના સેતુને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે, જેથી અરજીઓ કે રજૂઆતો કરવામાં નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે.
Read Original Article →