પંચમહાલ પોલીસ તહેવારો પહેલા સજ્જ:ગોધરાના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ સાથે પોલીસે બાળકોને ચોકલેટનું વિતરણ કર્યું
આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવા પંચમહાલ પોલીસે કમર કસી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ ગોધરા શહેરના સંવેદનશીલ અને જાહેર વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવાના હેતુથી પોલીસનો મોટો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને આગામી તહેવારો દરમિયાન શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી. આનાથી લોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની હતી. આ પેટ્રોલિંગ દરમિયાન પંચમહાલ પોલીસનો એક માનવતાવાદી ચહેરો પણ જોવા મળ્યો. પોલીસ ટીમે રસ્તા પર મળેલા નાના બાળકોને ચોકલેટનું વિતરણ કર્યું હતું. 'પોલીસ પ્રજાનો મિત્ર છે' એ સૂત્રને સાર્થક કરતા આ પ્રયાસથી બાળકો અને સ્થાનિક રહીશોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. પંચમહાલ પોલીસે તમામ જિલ્લાવાસીઓને અપીલ કરી છે કે, આવનારા તમામ તહેવારો પરસ્પર ભાઈચારા, શાંતિ અને સુરક્ષાની ભાવના સાથે ઉજવીએ અને એક આદર્શ સમાજનું ઉદાહરણ પૂરું પાડીએ.
Read Original Article →