ગોધરામાં રેતી ભરેલું ડમ્પર ગટર ચેમ્બરમાં ખૂંપ્યું:પોલીસ હેડ ક્વાર્ટર નજીક ફસાયું, ક્રેનથી બહાર કઢાયું
ગોધરાના પોલીસ હેડ ક્વાર્ટર નજીક એક મોટી ઘટના ટળી હતી. રેતી ભરેલું એક ડમ્પર ભૂગર્ભ ગટરની ચેમ્બરમાં ફસાઈ ગયું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી પસાર થઈ રહેલું રેતી ભરેલું ડમ્પર અચાનક રસ્તા પર આવેલી ભૂગર્ભ ગટરની ચેમ્બરમાં ઉતરી ગયું હતું. ડમ્પરનો વજન વધુ હોવાને કારણે તે ચેમ્બરમાં ખરાબ રીતે ફસાઈ ગયું અને એક તરફ નમી ગયું હતું.
આ ઘટનાને પગલે મુખ્ય રસ્તા પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ડમ્પરનું ભારે વજન હોવાથી તેને સામાન્ય રીતે બહાર કાઢવું અશક્ય હતું. આથી, તેને બહાર કાઢવા માટે ઘટના સ્થળે બે મહાકાય ક્રેનની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત અને કલાકોની મશક્કત બાદ આખરે ડમ્પરને ગટરની ચેમ્બરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. ડમ્પર હટાવ્યા બાદ ટ્રાફિક હળવો થતાં તંત્ર અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Read Original Article →