ગોધરા રાયોટિંગનો મુખ્ય સૂત્રધાર ઝાકીર ઝભા ઝડપાયો:પોલીસનો વેશપલટો, મહારાષ્ટ્રની હોટલમાંથી 6 મહિના બાદ દબોચાયો

Gujarat4/8/2026, 6:34:58 AM
ગોધરા રાયોટિંગનો મુખ્ય સૂત્રધાર ઝાકીર ઝભા ઝડપાયો:પોલીસનો વેશપલટો, મહારાષ્ટ્રની હોટલમાંથી 6 મહિના બાદ દબોચાયો
ગોધરા શહેરના ચકચારી રાયોટિંગ ગુનાનો મુખ્ય સૂત્રધાર ઝાકીર ઝભા મહારાષ્ટ્રના ભિવંડી ખાતેથી ઝડપાયો છે. પંચમહાલ SOGની ટીમે છ મહિનાથી ફરાર આ આરોપીને ફિલ્મી ઢબે વેશપલટો કરીને દબોચી લીધો હતો. ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર રાયોટિંગના ગુનામાં ઝાકીર ઝભા મુખ્ય સૂત્રધાર તરીકે વોન્ટેડ હતો. તે મહારાષ્ટ્રમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળતા SOGની ટીમ સક્રિય થઈ હતી. આરોપી ઓળખી ન જાય તે માટે પોલીસ જવાનોએ પોતાની ઓળખ છુપાવી વેશપલટો કર્યો હતો. SOGની ટીમે મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન નાસિક રોડ પર આવેલી 'હોટલ અના સાગર' માંથી ઝાકીર ઝભાને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસને સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઘટના 19 સપ્ટેમ્બર, 2025 ની મોડી રાત્રે બની હતી. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝાકીર ઝભાને પોલીસ મથકે બોલાવવાને લઈને ગેરસમજ થતા મોટી સંખ્યામાં લોકોનું ટોળું ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ મથકે ધસી આવ્યું હતું. ટોળાએ પોલીસ મથકનો ઘેરાવો કરવા ઉપરાંત પોલીસ ચોકી નંબર ચારમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે 100 થી વધુ ઇસમોના નામ જોગ અને 200 થી વધુના લોકટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો.
Read Original Article →