ગોધરા પોલીસે આણંદની ગુમ અસ્થિર મહિલાને શોધી:પરિવાર સાથે ગણતરીના કલાકોમાં ભેટો કરાવ્યો
ગોધરા તાલુકા પોલીસે માનવતાભર્યું કાર્ય કરતા આણંદ જિલ્લામાંથી ગુમ થયેલા એક અસ્થિર મહિલાને ગણતરીના કલાકોમાં તેમના પરિવાર સાથે ભેટો કરાવ્યો છે. પોલીસની સક્રિયતા અને સંવેદનશીલ કામગીરીને કારણે મહિલા સુરક્ષિત રીતે ઘરે પરત ફરી શક્યા. મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સીલી ગામના નિતલબેન નામની મહિલા ગઈકાલે પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેમનો કોઈ પતો લાગ્યો ન હતો. આ દરમિયાન, ગોધરા તાલુકા પોલીસની ટીમ વડોદરા હાઈવે પર તૃપ્તિ હોટલ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે નિતલબેન એકલવાઈ અને અસહાય હાલતમાં રઝળતા મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક તેમને પોલીસ મથકે લાવી સુરક્ષિત આશરો આપ્યો. પોલીસે મહિલા પાસેથી વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો. ટેકનિકલ સોર્સ અને સ્થાનિક કનેક્શનના આધારે, ગણતરીના સમયમાં જ તેઓ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સીલી ગામના હોવાનું શોધી કાઢવામાં આવ્યું. તાત્કાલિક પોલીસે મહિલાના પરિવારનો સંપર્ક સાધ્યો. પુત્રી ગુમ થતાં ચિંતિત બનેલા પરિવારને ગોધરા તાલુકા પોલીસ તરફથી ફોન મળતાં જ તેઓ ગોધરા દોડી આવ્યા હતા. પોલીસ મથકે નિતલબેનનો તેમના પરિવાર સાથે મેળાપ કરાવવામાં આવ્યો. પોતાની દીકરીને હેમખેમ પરત મેળવતા પરિવારજનોએ રાહત અનુભવી હતી. મહિલાના માતાએ ગોધરા તાલુકા પોલીસની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરી બદલ પંચમહાલ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →