ગોધરામાં 40 વર્ષ જૂના કોઝવેના નવીનીકરણનું કામ શરૂ:₹1.40 કરોડના ખર્ચે જાફરાબાદ-કનેલાવ વિસ્તારને મળશે નવો કોઝવે
ગોધરા શહેરમાં જાફરાબાદ અને કનેલાવ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલા 40 વર્ષ જૂના જર્જરિત કોઝવેનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ અંદાજિત ₹1.40 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યો છે. આ કોઝવે 20થી વધુ રહેણાંક સોસાયટીઓને જોડે છે. સ્થાનિક રહીશોની વર્ષો જૂની રજૂઆતો અને ચોમાસામાં સર્જાતી હાલાકીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે. નવો હાઈ-લેવલ કોઝવે આગામી 30 જૂન સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. ચોમાસું શરૂ થાય તે પહેલાં કામગીરી પૂર્ણ કરવા માટે રાત-દિવસ મજૂરો અને મશીનરી કામે લગાડવામાં આવ્યા છે. અગાઉનો કોઝવે જર્જરિત હોવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ રહેતું હતું, જે હવે ટળી જશે. દર ચોમાસે કોતરમાં પાણીનું સ્તર વધતાં આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાતી હતી. નવીન ટેકનોલોજી અને યોગ્ય ડિઝાઈન સાથે બની રહેલા આ કોઝવેને કારણે વરસાદી પાણીનો ઝડપી નિકાલ થઈ શકશે. આ નવા કોઝવેના નિર્માણથી સ્થાનિક રસ્તાઓનું નેટવર્ક મજબૂત બનશે. આગામી ચોમાસામાં 20થી વધુ સોસાયટીના રહીશોને જળબંબાકાર કે અવરજવર બંધ થવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. વહીવટી તંત્રના આ નિર્ણયને સમગ્ર પંથકમાં આવકારવામાં આવી રહ્યો છે.
Read Original Article →