ગોધરા નગરપાલિકાના નવા પ્રમુખ-ઉપપ્રમુખે પદભાર સંભાળ્યો:પ્રી-મોન્સૂન કામગીરી નવી ટીમ માટે પ્રથમ પડકાર
ગોધરા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ ઈશાંત સોનીએ તેમની વરણીના 24 કલાકની અંદર વિધિવત રીતે પદભાર સંભાળી લીધો છે. પાલિકા કચેરી ખાતે પાર્ટીના હોદ્દેદારો, પાલિકા સ્ટાફ અને શુભેચ્છકોનો જમાવડો જોવા મળ્યો હતો. પદભાર સંભાળતાની સાથે જ નવનિયુક્ત પાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ સામે સૌથી મોટો અને તાત્કાલિક પડકાર ગોધરા શહેરમાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ઊભો થયો છે. દર વર્ષે ચોમાસામાં શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ભરાતા વરસાદી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો એ નવી પાલિકા ટીમ માટે કસોટી સમાન રહેશે. ચોમાસું નજીક હોવાથી વિલંબ વગર શહેરના નાના-મોટા નાળાઓની સફાઈ, ડ્રેનેજ લાઈનોનું ક્લિનિંગ અને રોડ-રસ્તાના પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવી અનિવાર્ય બની છે. આ કામગીરી સમયસર પૂર્ણ કરવી એ નવી ટીમ માટે મુખ્ય અગ્નિપરીક્ષા સમાન છે. પદભાર સંભાળ્યા બાદ પ્રમુખ જશોદાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, "શહેરમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા ગંભીર છે. આથી, પ્રી-મોન્સૂન કામગીરીને અમારી પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. નાગરિકોને ચોમાસા દરમિયાન કોઈ હાલાકી ન ભોગવવી પડે તે માટે આગોતરું આયોજન કરવામાં આવશે." સ્થાનિક રાજકારણ અને વહીવટી દ્રષ્ટિએ આ સત્તાગ્રહણ ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે આગામી દિવસોમાં આ નવી ટીમની કાર્યક્ષમતાની સીધી પરીક્ષા વરસાદી સીઝન દરમિયાન જ થવાની છે.
Read Original Article →