ગોધરા નગરપાલિકા ચૂંટણી 2026:186 ઉમેદવારી પત્રોમાંથી 143 માન્ય અને 43 અમાન્ય ઠર્યા, કોંગ્રેસ ઉમેદવારનું મેન્ડેટ ખોઈ નાખ્યાના આક્ષેપ
ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 186 ઉમેદવારી પત્રોમાંથી 143 માન્ય અને 43 અમાન્ય ઠર્યા છે. ગોધરા તાલુકા શિક્ષણ વિભાગના નિવૃત્ત સિનિયર ક્લાર્ક સોલંકીએ વોર્ડ નંબર 10 માંથી ઉમેદવારી નોંધાવી હતી, મેન્ડેટ ગુમ હોવાના કારણે તેમનું ફોર્મ પણ રદ્દ કરવામાં આવ્યું છે. ગોધરા નગરપાલિકામાં ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ રદ કરવા પાછળનું મુખ્ય કારણ એ દર્શાવવામાં આવ્યું છે કે, ઉમેદવારી પત્ર સાથે પક્ષ દ્વારા આપવામાં આવતું અધિકૃત 'મેન્ડેટ' જોડવામાં આવ્યું ન હતું. જોકે, ઉમેદવાર કિરણભાઈ સોલંકીએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે અને તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, તેમણે ઉમેદવારી પત્ર રજૂ કરતી વખતે તમામ જરૂરી દસ્તાવેજો અને પક્ષનું મેન્ડેટ પણ રજૂ કર્યું હતું. કિરણભાઈ સોલંકીએ આરોપ લગાવ્યો કે મેન્ડેટ ન હોવાના બહાને તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે અને આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી છે. બીજી તરફ, ચૂંટણી અધિકારી એન એલ મોદીએ ઉમેદવારના તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ઉમેદવારી પત્ર સાથે મેન્ડેટ આપવામાં આવ્યું ન હતું, જેના કારણે નિયમ મુજબ ફોર્મ રદ કરવામાં આવ્યું છે.
Read Original Article →