ગોધરાના મોહમ્મદી મહોલ્લામાં દૂષિત પાણીની સમસ્યા:નળમાં સીધું ગટરનું ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ, રહીશો બે વર્ષથી પરેશાન, રોગચાળાનો ભય

Gujarat5/26/2026, 3:06:07 AM
ગોધરાના મોહમ્મદી મહોલ્લામાં દૂષિત પાણીની સમસ્યા:નળમાં સીધું ગટરનું ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ, રહીશો બે વર્ષથી પરેશાન, રોગચાળાનો ભય
ગોધરા શહેરના નગરપાલિકા વોર્ડ નંબર 7 માં આવેલા મોહમ્મદી મહોલ્લાના રહીશો છેલ્લા બે વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અહીં પીવાના પાણીની લાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોના આક્ષેપ મુજબ, છેલ્લા બે વર્ષથી આ સમસ્યા પ્રવર્તી રહી છે, પરંતુ છેલ્લા આઠ દિવસથી સ્થિતિ વધુ વણસી છે. નળમાં સીધું ગટરનું ગંદુ પાણી આવી રહ્યું છે, જેના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિકો આ પાણી પીવા કે ઘરવપરાશમાં ઉપયોગ કરી શકતા નથી. બોરનું પાણી પણ ઉપલબ્ધ ન હોવાથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. રહીશોના જણાવ્યા અનુસાર, નગરપાલિકાના કર્મચારીઓ આવે છે, માત્ર એક-બે ખાડા ખોદીને જતા રહે છે, પરંતુ કોઈ કાયમી કામગીરી કરવામાં આવતી નથી. આ કામચલાઉ સમારકામથી સમસ્યા યથાવત રહે છે. સ્થાનિક રહીશ ઇલ્યાસભાઈએ જણાવ્યું હતું કે, "અમે નગરપાલિકામાં આ અંગે અનેક રજૂઆતો કરી છે. અમારી માંગ છે કે જૂની પાઇપલાઇન રદ કરીને બિલકુલ નવી પાઇપલાઇન નાખવામાં આવે, જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે." આ સમગ્ર મામલે નગરપાલિકાના એન્જિનિયર આર.વી. ડામોરે દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારની રજૂઆત તેમને મળી છે અને તેના કાયમી ઉકેલ માટે વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવશે.
Read Original Article →