સુવિધા નહીં તો મત નહીં:ગોધરામાં જૈન સમ્રાટ સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યાં

Gujarat4/13/2026, 2:48:01 PM
સુવિધા નહીં તો મત નહીં:ગોધરામાં જૈન સમ્રાટ સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યાં
ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં આવેલા ભુરાવા વિસ્તારની જૈન સમ્રાટ સોસાયટીના રહીશોએ પાયાની સુવિધાઓના અભાવે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે. તેમણે 'સુવિધા નહીં તો મત નહીં'ના બેનરો લગાવી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, તેમની મુખ્ય સમસ્યાઓમાં રોડ-રસ્તા, પીવાનું સ્વચ્છ પાણી, સ્ટ્રીટ લાઈટ અને સાફ-સફાઈનો સમાવેશ થાય છે. નગરપાલિકા નિયમિતપણે વેરો ઉઘરાવે છે, પરંતુ સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. આ અંગે મહિલા રહીશ અર્પણા રાઠોડે જણાવ્યું હતું કે, "અહીં પાણી અને કચરાના નિકાલની મોટી સમસ્યા છે. નગરપાલિકા દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, તેથી અમે આ વખતે મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે." એક વૃદ્ધ રહીશે પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે, "ચોમાસામાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, જે સીધું અમારા ઘરોમાં ઘૂસી જાય છે. કચરો લેવા માટે ટ્રેક્ટર પણ નિયમિત આવતું નથી. સૌથી ગંભીર બાબત એ છે કે નળમાં આવતું પાણી સફેદ અને ગંદુ હોય છે, જે પીવાલાયક નથી." વોર્ડ નંબર 3 ના રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકા પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. 'સુવિધા નહીં તો મત નહીં'ના બેનરો સાથે જનતાએ સત્તાધીશો સામે મોરચો માંડ્યો છે. હવે જોવું રહ્યું કે ચૂંટણી પહેલા તંત્ર જાગૃત થાય છે કે પછી જનતા પોતાનો મિજાજ બતાવશે.
Read Original Article →