ગોધરા હાઈવે પર મુસ્લિમ યુવાનોએ છાશ-પાણીનું વિતરણ કર્યું:કાળઝાળ ગરમીમાં મુસાફરો-વાહનચાલકોને રાહત, કોમી એકતાનો સંદેશ

Gujarat5/21/2026, 11:26:01 AM
ગોધરા હાઈવે પર મુસ્લિમ યુવાનોએ છાશ-પાણીનું વિતરણ કર્યું:કાળઝાળ ગરમીમાં મુસાફરો-વાહનચાલકોને રાહત, કોમી એકતાનો સંદેશ
ગોધરા-વડોદરા હાઈવે પર તૃપ્તિ ચોકડી પાસે મુસ્લિમ યુવાનો દ્વારા મુસાફરો અને વાહનચાલકોને ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું. કાળઝાળ ગરમી વચ્ચે આ સેવાકાર્યથી હજારો લોકોને રાહત મળી હતી. આ સેવાયજ્ઞમાં માત્ર નાના વાહનો જ નહીં, પરંતુ હાઈવે પરથી પસાર થતી ગુજરાત એસટી બસોને પણ રોકીને તેમાં સવાર મુસાફરોને ઠંડા પાણીની બોટલો પહોંચાડવામાં આવી હતી. યુવાનોએ તમામ વાહનચાલકોને અટકાવીને ઠંડી છાશ અને પાણીનું વિતરણ કર્યું. હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. આવી કાળઝાળ ગરમીમાં હાઈવે પરથી પસાર થતા મુસાફરો અને વાહનચાલકોની હાલત કફોડી બનતી હોય છે. ધોમધખતા તાપમાં બસની અંદર ગરમીથી અકળાયેલા મુસાફરોને જ્યારે ઠંડું પાણી અને છાશ મળ્યા, ત્યારે તેમના ચહેરા પર ખુશી જોવા મળી. સ્થાનિક મુસ્લિમ યુવાનોની આ નિઃસ્વાર્થ કામગીરીને કારણે હાઈવે પરથી પસાર થતા હજારો મુસાફરોને મોટી રાહત મળી છે. ગરમીના આ પ્રકોપ વચ્ચે જાતિ-ધર્મના ભેદભાવ ભૂલીને માત્ર માનવતાના નાતે કરાયેલા આ કાર્યની સ્થાનિક લોકો અને મુસાફરો દ્વારા મુક્તમને પ્રશંસા થઈ રહી છે, જે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
Read Original Article →