ગોધરા હાઈવે પર જીવલેણ અકસ્માત:ચામુંડા હોટલ પાસે ટ્રેક્ટર-છોટા હાથી ટકરાતા યુવકનું મોત, ઘટના CCTVમાં કેદ
ગોધરા-અમદાવાદ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. હાઈવે પર આવેલા વાવડી ખુર્દ ગામની ચામુંડા હોટલ પાસે લોખંડની એંગલો ભરીને જઈ રહેલા એક ટ્રેક્ટર ચાલકે બેદરકારીપૂર્વક રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલું છોટા હાથી વાહન ટ્રેક્ટરના પાછળના ભાગે ધડાકાભેર અથડાયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં છોટા હાથીમાં સવાર 25 વર્ષીય ગોવિંદ ચારણનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અન્ય એક યુવકની હાલત નાજુક, વડોદરા રિફર કરાયો
આ ટક્કર એટલી જોરદાર હતી કે વાહનના ફુરચા ઊડી ગયા હતા. અકસ્માતમાં છોટા હાથીમાં સવાર અન્ય એક 19 વર્ષીય યુવક લલિત ચારણને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થાનિક આગેવાન રામ ચારણ, સરપંચ કિરીટ પટેલીયા અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેની તબિયત વધુ નાજુક જણાતા વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યો છે. વાવડી ખુર્દનો કટ ‘ડેથ ઝોન’ બન્યો: સ્થાનિકોમાં રોષ
ઉલ્લેખનીય છે કે, ગોધરા-અમદાવાદ હાઈવે પરનો વાવડી ખુર્દ પાસેનો આ કટ વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે. ગત 10 મેના રોજ પણ બરાબર આ જ સ્થળે કાર અને બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ટૂંકા ગાળામાં આ જ જગ્યાએ બીજા જીવલેણ અકસ્માતને કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રેક્ટર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →