ગોધરામાં ST બસમાં બે મુસાફરોને હીટ સ્ટ્રોક:કાળઝાળ ગરમીથી તબિયત લથડી, સિવિલ હોસ્પિટલ ખસેડાયા
પંચમહાલ જિલ્લામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગોધરામાં એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા બે અલગ-અલગ મુસાફરો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રથમ ઘટનામાં, બારિયાથી વડોદરા જઈ રહેલી એસ.ટી. બસમાં 32 વર્ષીય પ્રતીક પ્રકાશ રાવળ નામના યુવકની તબિયત લથડી હતી. તેમને અચાનક ચક્કર અને ગભરામણ થવા લાગી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ, તેઓ ગરમીના કારણે હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા હોવાનું જણાયું હતું. બીજી ઘટનામાં, રામપુરાથી સુરત જઈ રહેલી બસમાં 18 વર્ષીય શિલ્પાબેન ડામોર નામના મહિલાની તબિયત પણ બગડી હતી. તેમને પણ અચાનક અશક્તિ અને ગભરામણનો અનુભવ થયો હતો. બસ સંચાલકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. બંને મુસાફરોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને તબીબો દ્વારા જરૂરી સારવાર શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં વધી રહેલા તાપમાનને કારણે બપોરના સમયે મુસાફરી કરવી જોખમી સાબિત થઈ રહી છે, જે અંગે તકેદારી રાખવી જરૂરી છે.
Read Original Article →