ભાજપ મહામંત્રીના ઘર પાસેથી સ્કોર્પિયો ચોરી કરનાર મુખ્ય આરોપી ઝડપાયો:ગોધરા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
ગોધરાના ભાજપ યુવા મોરચાના મહામંત્રી વિવેકભાઈ શાહના ઘર પાસેથી સ્કોર્પિયો કાર ચોરી કેસમાં પોલીસે મુખ્ય આરોપી હજારી રામ તુલછા રામ બિશ્નોઈની ધરપકડ કરી છે. આરોપીને ગોધરા કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ ઘટના ગત 5 માર્ચના રોજ બની હતી. ગોધરાની શાંતિ નિવાસ સોસાયટીમાં આવેલા વિવેકભાઈ શાહના ઘરના આંગણે પાર્ક કરેલી બ્લેક કલરની S11 સ્કોર્પિયો કાર તસ્કરો ચોરી ગયા હતા. કાર ચોરીની આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. 19 માર્ચના રોજ પોલીસે અંબાજી નજીક એક પેટ્રોલ પંપ પાસેથી ચોરી થયેલી સ્કોર્પિયો કાર કબજે કરી હતી. આ ચોરીમાં સામેલ અન્ય બે આરોપીઓ શેતાન બાબુરામ ગોદારા અને મદન નેનારામને પોલીસે અગાઉ જ ઝડપી લીધા હતા. ચોરીનો મુખ્ય સૂત્રધાર હજારી રામ બિશ્નોઈ અત્યાર સુધી ફરાર હતો. તે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં અન્ય ગુનામાં બંધ હતો. પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી હજારી રામ બિશ્નોઈનો કબજો મેળવ્યો હતો. ત્યારબાદ તેને ગોધરા કોર્ટમાં રજૂ કરીને ગુનાની વધુ પૂછપરછ અને અન્ય કડીઓ મેળવવા માટે એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
Read Original Article →