ગોધરામાં કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ:રોમાંચક ફાઈનલમાં 'ટેલેસિયા 11' ટીમ વિજેતા બની

Gujarat5/26/2026, 8:57:30 AM
ગોધરામાં કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ:રોમાંચક ફાઈનલમાં 'ટેલેસિયા 11' ટીમ વિજેતા બની
ગોધરા-વડોદરા હાઈવે પર આવેલા 'રોયલ ઇન બોક્સ' ખાતે 'કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. ગત મોડી રાત્રે રમાયેલી રોમાંચક ફાઈનલમાં 'ટેલેસિયા 11' ટીમે વિજય મેળવી ટ્રોફી જીતી હતી. ગોધરાના જાણીતા ક્રિકેટર સલમાન હુરી અને સુલેમાન યાયમન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમત દ્વારા સમાજમાં પરસ્પર ભાઈચારો અને કોમી એકતા મજબૂત કરવાનો હતો. ફાઈનલ મેચ શાલીમાર 11 અને ટેલેસિયા 11 વચ્ચે રમાઈ હતી. બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર બાદ, 'ટેલેસિયા 11' ટીમે શાનદાર પ્રદર્શન કરતા ભવ્ય વિજય મેળવ્યો હતો. આ રોમાંચક ફાઈનલ મેચની એક-એક ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો અને નાના બાળકો ઉમટી પડ્યા હતા. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ફાઇનલ મેચમાં ખાસ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગોધરા નગરપાલિકાના કોર્પોરેટર (વોર્ડ નં. 5) જીનલ સંજય સોની અને માય જીમના સંચાલક ધીરજ મલ્હોત્રાનો સમાવેશ થાય છે. ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતા અને રનર્સ-અપ ટીમને પ્રોત્સાહિત કરી ટ્રોફી એનાયત કરી હતી. આખી ટુર્નામેન્ટ દરમિયાન નિષ્પક્ષ અને સચોટ અમ્પાયરિંગ કરીને મેચોને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપવા બદલ આસિફ ભાઈ વાસ્ક અને ફૈઝાન શેખનું મેનેજમેન્ટ અને મહેમાનો દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી અને ખેલદિલીની ભાવના સાથે યુવાનોએ આ આયોજનને ભારે આવકાર આપ્યો હતો.
Read Original Article →