ગોધરામાં કમોસમી વરસાદ, ભારે પવન સાથે ઝાડ પડ્યું:સિવિલ હોસ્પિટલ ગેટ પાસે ઝાડ ધરાશાયી, અફરાતફરી મચી
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન, ગાજવીજ અને ધૂળની ડમરીઓ સાથે કમોસમી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ તોફાની પવનની સૌથી વધુ અસર ગોધરા સિવિલ હોસ્પિટલ પરિસરમાં જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના મુખ્ય ગેટ પાસે એક વિશાળ ઝાડ ધરાશાયી થયું હતું. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી. ઝાડ પડવાની ઘટનાને પગલે ઈમરજન્સી વિભાગ પાસે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ગોધરામાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગણતરીની મિનિટોમાં ફૂંકાયેલા પ્રચંડ વાવાઝોડાએ સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી.
ભારે પવનને કારણે શહેરના મુખ્ય માર્ગો પર અનેક વિશાળકાય વૃક્ષો ધરાશાયી થયા હતા. રહેણાંક વિસ્તારોમાં અનેક મકાનોના પતરાં ઉડી ગયા હતા. રસ્તાઓ પર હોર્ડિંગ્સ અને અન્ય કાટમાળ પણ જોવા મળ્યો હતો. વાવાઝોડા સાથે વરસાદ પણ વરસ્યો હતો, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
આ અચાનક ત્રાટકેલા વાવાઝોડાને કારણે ગોધરાનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મિલકતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
વાવાઝોડા બાદ નગરપાલિકાની ટીમ અને સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રસ્તા પર પડેલા વૃક્ષો અને કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
Read Original Article →