ગોધરામાં 42 ડિગ્રી ગરમીમાં બાળ મજૂરી:સેવા સદન નજીક શ્રમિકો પાસેથી કામ લેવાયું, નિયમોનો ભંગ

Gujarat5/23/2026, 1:02:08 PM
ગોધરામાં 42 ડિગ્રી ગરમીમાં બાળ મજૂરી:સેવા સદન નજીક શ્રમિકો પાસેથી કામ લેવાયું, નિયમોનો ભંગ
ગોધરામાં જિલ્લા સેવા સદન નજીક 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે શ્રમિકો પાસે મજૂરીકામ કરાવવામાં આવી રહ્યું છે. આકરી ગરમીમાં નિર્દોષ બાળ મજૂર પણ કામ કરતા જોવા મળ્યા છે, જે શ્રમ નિયમોના ઉલ્લંઘનનો સ્પષ્ટ સંકેત આપે છે. પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં હાલ અસહ્ય ઉનાળો જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો 41 થી 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેના કારણે બપોરના સમયે સામાન્ય નાગરિકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. આવા સમયે શ્રમિકો પાસે આકરી મજૂરી કરાવવી એ માનવતા વિરુદ્ધ અને શ્રમ કાયદાઓનો ભંગ છે. આ સમગ્ર ઘટના ગોધરા સેવા સદનની બિલકુલ નજીક બની રહી છે, જ્યાં તમામ વહીવટી અધિકારીઓ બેસે છે. અહીં ભૂગર્ભ ગટર લાઇન માટેની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અમદાવાદની 'JAB કન્સ્ટ્રક્શન' નામની ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે. ગોધરા નગરપાલિકાના કોન્ટ્રાક્ટર અને એજન્સી દ્વારા પોતાના આર્થિક ફાયદા માટે શ્રમિકોને ઊંચા તાપમાનમાં હીટ સ્ટ્રોકનો મોટો ખતરો હોવા છતાં, ભરબપોરે કામ લેવાઈ રહ્યું છે. કાયદાકીય રીતે બાળ મજૂરી પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં, ખાનગી એજન્સી દ્વારા સગીર વયના બાળક પાસે કામ કરાવીને કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં, સેવા સદનની નાકની નીચે ચાલી રહેલી આ બાળ મજૂરી અને શ્રમ નિયમોના ભંગ મામલે જવાબદાર તંત્ર કે શ્રમ વિભાગ સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક પગલાં ભરે છે કે કેમ તે જોવું રહ્યું.
Read Original Article →