ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા સાથે 4 વર્ષના પુત્રનું મોત:જૂનું મકાન ઉતારતી વખતે અચાનક આખી દિવાલ ધસી પડતાં દુર્ઘટના
ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારમાં આવેલા ચીઠીયાવાડમાં એક જૂનું મકાન ઉતારતી વખતે દિવાલ ધરાશાયી થતા પિતા-પુત્રના ઘટનાસ્થળે મોત થયા છે. આ દુર્ઘટનામાં શ્રમિક કાળુભાઈ સવજીભાઈ ઝાલૈયા અને તેમનો 4 વર્ષનો પુત્ર કિશન ઝાલૈયા કાટમાળ નીચે દબાઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ચીઠીયાવાડ વિસ્તારમાં એક ખાનગી માલિકીનું જૂનું મકાન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન બ્રેકરની મદદથી દિવાલ તોડવામાં આવી રહી હતી, ત્યારે અચાનક આખી દિવાલ ધસી પડી હતી. દિવાલના કાટમાળ નીચે દબાઈ જવાથી ગોધરા તાલુકાના દયાળ ગામના વતની 30 વર્ષીય કાળુભાઈ સવજીભાઈ ઝાલૈયા અને તેમની સાથે રહેલો તેમનો 4 વર્ષનો પુત્ર કિશન ઝાલૈયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ બનાવને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. એકસાથે પિતા અને પુત્રના મોતથી શ્રમિક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ પંચનામું કર્યું હતું અને તેમને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read Original Article →